કેજરીવાલને ‘વર્ક ફ્રોમ જેલ’ની મંજૂરી માટે દિલ્હી હાઈ કોર્ટમાં અરજી દાખલ
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના સમર્થનમાં વધુ એક અરજી દિલ્હી હાઈ કોર્ટમાં કરવામાં આવી છે. સીએમ અરવિંદ કેજરીવાલને જેલમાંથી સરકાર ચલાવવા દેવાની માંગણી વકીલ શ્રીકાંત પ્રસાદ દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવી છે.
દિલ્હી હાઈ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં તેમણે કોર્ટ પાસે તિહાર જેલના ડીજીને મુખ્ય પ્રધાન માટે જરૂરી વ્યવસ્થા કરવા માટે નિર્દેશ આપવાની પણ માંગ કરી છે. જો કે, કોર્ટે હજુ સુધી નિર્ણય લીધો નથી કે અરજી પર સુનાવણી કરવી કે નહીં.
આ અરજીમાં શ્રીકાંત પ્રસાદે માગ કરી છે કે અદાલત જેલના ડીજીને નિર્દેશ આપે કે તે જેલમાં જ સીએમ અરવિંદ કેજરીવાલ માટે જરૂરી વ્યવસ્થા કરે. અરવિંદ કેજરીવાલ માટે આ વ્યવસ્થા એટલા માટે જરૂરી છે કે જેથી તે દિલ્હીના ધારાસભ્યો અને મંત્રીઓ પાસેથી વીડિયો કોન્ફ્રરન્સિંગ દ્વારા વાત કરી શકે.
અરજીકર્તાએ તેવી પણ દલીલ કરી છે કે દિલ્હીમાં હાલ તે સ્થિતીમાં છે તે બંધારણની કલમ 21, 14 અને 19 હેઠળ નાગરિકોને મળેલા મૂળભુત અધિકારોનું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં છેલ્લા 7 વર્ષમાં હેલ્થ અને એજ્યુકેશનનો ટ્રેક રેકોર્ડ શ્રેષ્ઠ રહ્યો છે. અરજીમાં તે બાબત પર ભાર મુકવામાં આવ્યો છે કે ન તો ભારતનું બંધારણ કે ન કોઈ કાયદો કોઈપણ રાજ્યના મંત્રી, મુખ્યમંત્રી કે વડાપ્રધાનને સરકાર ચલાવવાથી રોકી શકે છે.
શ્રીકાંત પ્રસાદનું કહેવું છે કે તેઓ એવા ગરીબ અને વંચિત લોકો વતી કોર્ટનો દરવાજો ખટખટાવી રહ્યા છે, જેઓ દિલ્હી સરકારની યોજનાઓનો લાભ લઈ રહ્યા છે પરંતુ તેમના અધિકારોથી વાકેફ નથી.
તેમણે પોતાની અરજીમાં દાવો કર્યો છે કે કેજરીવાલ રાજકીય દ્વેષના કારણે જેલમાં છે. તેમણે કહ્યું કે દિલ્હી સરકારે સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવા મામલામાં દેશમાં સૌથી શ્રેષ્ઠ કામ કર્યું છે, તેથી જેલમાંથી સરકાર ચલાવવાની મંજૂરી આપવી જોઈએ. તેમણે પોતાની અરજી પર વહેલી સુનાવણીની માંગ પણ કરી છે.