બ્રાહ્મણો વાળી ટિપ્પણી અંગે પીટર નવારોને ભારતે આપ્યો જવાબ! શું બોલ્યા રણધીર જયસ્વાલ…

નવી દિલ્હીઃ વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નવારોના ભ્રામક નિવેદન અંગે ભારતના વિદેશ મંત્રાલયે જોરદાર જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, પીટર નવારો દ્વારા આપવામાં આવેલું નિવેદન ખોટું અને ભ્રામક છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પ્રેસ કોન્ફરન્સ કરીને સત્તાવાર રીતે નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટરના નિવેદનનું ચોખ્ખા શબ્દોમાં ખંડન કર્યું હતું .
પીટર નવારોનું નિવેદન ખોટું અને ભ્રામક છેઃ રણધીર જયસ્વાલ
રણધીર જયસ્વાલે કહ્યું કે, રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ નવી દિલ્હી વિરુદ્ધ તેમણે કરેલી વાંધાજનક ટિપ્પણીઓ ખોટી અને ભ્રામક છે. રણધીર જયસ્વાલે કહ્યું કે, ‘અમે નવારો દ્વારા કરવામાં આવેલા ખોટા અને ભ્રામક નિવેદનો જોયા છે અને અમે તેમને સ્પષ્ટપણે નકારી કાઢીએ છીએ’.
ભારત દ્વારા રશિયાના ક્રૂડની ખરીદીથી બ્રાહ્મણોને ફાયદોઃ પીટર નવારો
વિગતે વાત કરવામાં આવે તો, પીટર નવારોએ કહ્યું હતું કે, ‘બ્રાહ્મણો ભારતીય લોકોના ભોગે નફો કરી રહ્યા છે અને આને રોકવાની જરૂર છે’ એટલે કે, ભારતમાં જે પણ કઈ વેપાર ધંધા છે તેમાં સૌથી વધારે નફો બ્રાહ્મણોને થાય છે. વધુમાં કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના નેતા ગણાવ્યાં હતાં. તેઓ સમજતા નથી કે ભારતીય નેતાઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે કેવી રીતે સહયોગ કરી રહ્યા છે. આ સાથે સાથે પીટર નવારોએ ભારત પર ક્રેમલિન માટે તેલ મની લોન્ડરિંગ કેન્દ્ર હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
માત્ર ભારત જ પર શા માટે કાર્યવાહી કરવામાં આવીઃ વિદેશ મંત્રાલય
ભારતે અમેરિકાના પગલાને ‘ગેરવાજબી અને ગેરવાજબી’ ગણાવ્યું છે અને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે આખરે ભારત પર જ શા માટે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આશ્ચર્યજનક રીતે અમેરિકાએ રશિયન ક્રૂડ ઓઇલના સૌથી મોટા આયાતકાર ચીન સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરી નથી. રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદીનો બચાવ કરતા ભારત કહેતું રહ્યું છે કે તેની ઊર્જા ખરીદી રાષ્ટ્રીય હિત અને બજાર ગતિશીલતા દ્વારા સંચાલિત છે. પીએમ મોદીએ પણ પોતાના ભાષણમાં આવું જ નિવેદન આપ્યું હતું.