વડા પ્રધાનની મૂડીવાદી તરફી નીતિઓના ‘ચક્રવ્યુહ’ને તોડવા માટે હરિયાણાના લોકો ફટકો મારશે: રાહુલ ગાંધી

નવી દિલ્હી: રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો હતો કે ભાજપે હરિયાણાની અર્થવ્યવસ્થાને નિષ્ફળ બનાવી છે, બેરોજગારી ફેલાવી છે અને નાના ઉદ્યોગોને નુકસાન પહોંચાડ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું હતું કે રાજ્યના લોકો ટૂંક સમયમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂડીવાદી મિત્રો માટે ઘડી કાઢવામાં આવેલી નીતિઓના ‘ચક્રવ્યુહ’ને તોડવા માટે જોરદાર ફટકો મારશે.
તેમણે એવું વચન આપ્યું હતું કે કોંગ્રેસ સરકાર કાયમી નોકરીઓ આપશે, હરિયાણાને ડ્રગ ફ્રી બનાવશે અને નાના ઉત્પાદકોને ટેકો આપશે. રાહુલ ગાંધીએ રાજ્યના સર્વસમાવેશક વિકાસની જરૂરિયાત પર ભાર મૂકતાં કહ્યું હતું કે હરિયાણાના લોકો મોદીની નીતિઓને નકારી કાઢશે.
તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપ દ્વારા ફેલાયેલી બેરોજગારીની બિમારી રાજ્યના યુવાનોના ભાવિને ઊંડા જોખમમાં મૂક્યું છે અને કોંગ્રેસની સરકાર રોજગાર પરત આવે અને દરેક કુટુંબ સમૃદ્ધ બને તે સુનિશ્ર્ચિત કરશે.
ગાંધીએ એક્સ પર તેમની તાજેતરની વિજય સંકલ્પ યાત્રા દરમિયાન મહિલાઓના જૂથ સાથેની તેમની વાતચીતનો વીડિયો શેર કર્યો હતો.
આ પણ વાંચો : હિમાચલ, કર્ણાટક અને તેલંગણામાં કોંગી સરકારો નાણાકીય કટોકટીમાં: કિશન રેડ્ડી
વિડિયોની સાથે, તેણે એક્સ પર હિન્દીમાં પોતાની પોસ્ટમાં કહ્યું, ભાજપ દ્વારા ફેલાવવામાં આવેલી બેરોજગારીની બિમારીએ હરિયાણાના મૂળ યુવાનોનું ભવિષ્ય અને રાજ્યની સુરક્ષાને ઊંડા જોખમમાં મૂકી દીધી છે.
હરિયાણાની કેટલીક બહેનોએ વિજય સંકલ્પ યાત્રા દરમિયાન આશ્રય આપ્યો, ખૂબ પ્રેમથી ઘરે બનાવેલા રોટલા ખવડાવ્યા અને રાજ્યની જટિલ સમસ્યાઓ પણ સમજાવી, એમ રાહુલ ગાંધીએ કહ્યું હતું.
આજે હરિયાણામાં ભારતમાં સૌથી વધુ બેરોજગારી છે, એમ તેમણે જણાવ્યું હતું.
રાજ્યમાં સત્તામાં આવનારી કોંગ્રેસ સરકાર 2 લાખ કાયમી નોકરીઓ આપશે અને હરિયાણાને ડ્રગ ફ્રી બનાવશે, એમ તેમણે જણાવ્યું હતું.
મેં હરિયાણાની બહેનોને વચન આપ્યું છે કે હું આ વિનાશને રોકીશ, હું તેમના બાળકોનું રક્ષણ કરીશ – રોજગાર પરત આવશે, અને દરેક કુટુંબ સમૃદ્ધ થશે, એમ ગાંધીએ ભારપૂર્વક કહ્યું હતું.
એક્સ પરની બીજી પોસ્ટમાં કોંગ્રેસના ભૂતપૂર્વ વડાએ યાદ કર્યું કે તેમણે તાજેતરમાં ગોહાનામાં સ્વાદિષ્ટ જલેબીઓ અને તેને વધુ વ્યાપક રીતે વેચવાની તક વિશે વાત કરી હતી.
ભારતમાં સમાન નાના ઉત્પાદકોના 5,500 ક્લસ્ટર છે જેઓ યોગ્ય સમર્થન આપવામાં આવે તો વિશ્ર્વ સમક્ષ તેમના ઉત્પાદનોનું માર્કેટિંગ કરી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.
તેમને ફાઇનાન્સ, ટેક્નોલોજી, નેટવર્ક્સ, બ્રાન્ડિંગ અને બહેતર સંગઠન પ્રદાન કરવા માટે યોગ્ય નીતિઓની જરૂર છે, એમ રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું હતું.
આનાથી વિશ્ર્વ આપણી મીઠાઈ જ નહીં, પરંતુ સોપોરના સફરજન, બલ્લારીના જીન્સ, કોલ્હાપુરી ચપ્પલ, મેઘાલયના અનાનસ, બિહારના મખાના, મુરાદાબાદના પિત્તળના વાસણ અને અન્ય ઘણી વસ્તુઓનો આનંદ માણી શકે છે. બનારસી સાડીઓની વૈશ્ર્વિક સફળતા એક ઉત્તમ ઉદાહરણ છે કે શું શક્ય છે, એમ તેમણે કહ્યું હતું.
તેમણે કહ્યું કે, યુવા, શિક્ષિત અને ઊર્જાસભર પેઢીની આકાંક્ષાઓને પૂર્ણ કરવા અને ભારતના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ભારતને જરૂરી કરોડો ઔપચારિક નોકરીઓનું સર્જન કરવાનો આવો સર્વસમાવેશક વિકાસ એકમાત્ર રસ્તો છે.
હરિયાણાના લોકો આ સારી રીતે સમજે છે. તેઓ ટૂંક સમયમાં મોદીજીની મૂડીવાદી તરફી નીતિઓના ‘ચક્રવ્યુહ’ને તોડવા માટે વિધાનસભાની ચૂંટણીમાં ફટકો મારશે, એમ તેમણે કહ્યું હતું.
હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે શનિવારે મતદાન થશે, જ્યારે મતગણતરી આઠમી ઓક્ટોબરે થશે. (પીટીઆઈ)