નવી દિલ્હીઃ Pegasus જાસૂસી સૉફ્ટવેર ભારતીય રાજકારણમાં એક મોટો મુદ્દો રહ્યો છે. ઇઝરાયલી એનએસઓ ગ્રુપ પર યુએસ કોર્ટના ચુકાદાથી ભારતમાં પેગસસ વિવાદ પર ફરી એકવાર ચર્ચા શરૂ થઈ શકે છે. યુએસ કોર્ટે પેગસસ માટે એનએસઓ ગ્રુપને જવાબદાર ઠેરવ્યું છે અને કહ્યું છે કે આ સમગ્ર વિવાદ માટે કંપની જવાબદાર છે.
એનએસઓ ગ્રુપ વિરુદ્ધ વોટ્સએપ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં કોર્ટનો આ નિર્ણય આવ્યો છે. કેસની સુનાવણી કરનાર ન્યાયાધીશ ફિલિસ હેમિલ્ટને કહ્યું છે કે ઇઝરાયલી સ્પાયવેર નિર્માતા પર 1400 વોટ્સએપ યુઝર્સને નિશાન બનાવ્યા હતા. ન્યાયાધીશે જણાવ્યું કે એનએસઓ ગ્રુપ યુએસ કાયદાના ઉલ્લંઘન માટે પણ જવાબદાર છે.
આ પણ વાંચો: પાકિસ્તાનની ‘નાપાક’ હરકતઃ કાશ્મીરના ચીનાબ બ્રિજની જાસૂસીનો રિપોર્ટ…
પેગસસનો ભોગ બનેલા લોકોમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓ, પત્રકારો, માનવાધિકાર કાર્યકરો, રાજદ્વારીઓનો સમાવેશ થાય છે. ભારતમાં પત્રકારો, રાજકારણીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને કેટલાક સામાજિક સભ્યોના ડિજિટલ ગેજેટ્સમાં કથિત રીતે પેગસસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 300 ભારતીય પેગસસનો શિકાર બન્યા હતા.
જો બાઇડેનના વહીવટીતંત્રે 2021માં એનએસઓ ગ્રુપને બ્લેકલિસ્ટમાં મૂક્યું હતું અને યુએસ સરકારી એજન્સીઓને તેના ઉત્પાદનો ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો હતો. એક અહેવાલમાં બહાર આવ્યું છે કે પેગસસનો ઉપયોગ 300થી વધુ ભારતીય મોબાઇલ નંબરો પર પણ કરવામાં આવ્યો હતો. તેમાં નરેન્દ્ર મોદી સરકારના બે મંત્રીઓ, ત્રણ વિપક્ષી નેતાઓ, એક બંધારણીય અધિકારી, ઘણા પત્રકારો અને ઉદ્યોગપતિઓનો સમાવેશ થતો હતો. જેના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારોને મોટો ઝટકો લાગ્યો હતો.
આ પણ વાંચો: સરકાર કરી રહી છે તમારી જાસૂસી, જાણી લો સાચી હકીકત?
2021ના મીડિયા રિપોર્ટ બાદ ભારત સરકારે પેગસસના ઉપયોગના દાવાનું ખંડન કર્યું અને કહ્યુ કે, તેઓ કોઈ પણ પ્રકારની જાસૂસીમા સામેલ નથી. તે સમયે સંસદમાં આપવામાં આવેલા નિવેદનમાં આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, અહેવાલોમાં કોઈ તથ્ય નથી. એનએસઓ ગ્રુપે પણ જાસૂસીના આરોપ ખોટા અને ભ્રામક હોવાનો દાવો કર્યો હતો.
2022માં કેસની તપાસ માટે બનાવવામાં આવેલી સમિતિને પણ સ્પાયવેરના ઉપયોગ પર કોઈ નિર્ણાયક પુરાવા મળ્યા નહોતા. પરંતુ કહ્યું કે કેન્દ્ર સરકારે પેનલને સાથ સહયોગ આપ્યો નહોતો. રિપોર્ટ સીલબંધ છે અને તેન જાહેર કરવામાં આવ્યો નથી.
હવે આ મામલે અમેરિકાની કોર્ટે આ મામલે એનએસઓ ગ્રુપનું નામ સીધી રીતે લીધું છે અને પેગસસને લઈ નિવેદન આપ્યું છે, જે બાદ ફરીથી આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. પેગાસસ ભારતીય રાજનીતિમાં એક મોટો મુદ્દો રહ્યો હતો અને હવે ફરીથી વિવાદ થઈ શકે છે.