ટોપ ન્યૂઝનેશનલ

પવાર VS પવારઃ શરદ પવાર જૂથને મળ્યું નવું પ્રતીક

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં શિવસેનાનું વિભાજન થયા પછી એકનાથ શિંદેએ ભાજપ સાથે હાથ મિલાવીને નવી સરકારનું ગઠન કર્યું હતું, ત્યારબાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું વિભાજન થયું હતું. રાષ્ટ્રવાદીના ભાગલા પડ્યા પછી કાકા શરદ પવાર અને ભત્રીજા અજિત પવાર આમનેસામને આવી ગયા હતા. પાર્ટીનું વિભાજન પછી ચિહ્ન અને નામ અજિત પવારને મળ્યા પછી હવે સત્તાવાર રીતે શરદ ચંદ્ર પવાર જૂથને ચૂંટણી પંચ દ્વારા નવું ચિહ્ન આપ્યું છે.

શરદ પવારની પાર્ટી ‘નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી- શરદ ચંદ્ર પવાર’ને ચૂંટણી પંચ દ્વારા ‘તુતારી’ ચૂંટણી પ્રતીક આપવામાં આવ્યું છે. શરદ પવારનું જૂથ હવે આ ચૂંટણી ચિન્હ પર ચૂંટણી લડશે. અજિત પવાર જૂથના નેતા અને વિધાનસભ્ય છગન ભુજબળે ચૂંટણી પંચના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે જ્યારે નવી બ્રાન્ડ ધરાવતા લોકો સુધી પહોંચવાની વાત આવે છે, ત્યારે થોડું પડકારરૂપ બની શકે છે. ૧૯૯૯માં અમારા ૩૦ ટકાથી વધુ વોટ કોંગ્રેસને ગયા હતા.

શરદ પવાર જૂથને હવે એક નવું પ્રતીક મળ્યું છે, તુતારી. હવે નવા પ્રતીકની મતદાન પર થોડી અસર થશે, કારણ કે લોકોના મન પર નવા પ્રતિકને પ્રભાવિત કરવાનું સરળ કામ નથી. હવે દરેક પાસે સ્માર્ટફોન અને ઈલેક્ટ્રોનિક મીડિયા છે, તેથી આ ચિન્હ આ માધ્યમ દ્વારા ખૂબ ઝડપથી પહોંચી શકે છે. ગ્રામીણ વિસ્તારોમાં કેટલાક લોકો માને છે કે શરદ પવાર ઘડિયાળ છે. આવા સમયે સમસ્યા આવશે, છગન ભુજબળે જણાવ્યું હતું.

દરમિયાન સુપ્રીમ કોર્ટમાં તાજેતરની સુનાવણી મુજબ, શરદ પવાર જૂથને ચૂંટણી પંચમાં પ્રતીક માટે અરજી દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. તેમજ અરજી દાખલ કર્યા બાદ ચૂંટણી પંચને એક સપ્તાહમાં પ્રતીક અંગે નિર્ણય આપવા આદેશ કરાયો હતો.

તેના મુજબ શરદ પવાર જૂથે ત્રણ વિકલ્પો સૂચવ્યા હતા. જો કે, કેન્દ્રીય ચૂંટણી પંચે તેમના દ્વારા આપવામાં આવેલા વિકલ્પો અંગે કોઈ સંકેત આપ્યા નથી. તો ચૂંટણી પંચ દ્વારા તુતારી પ્રતીક આપવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના આગામી આદેશો સુધી પાર્ટીનું પ્રતીક તુતારી શરદ પવાર જૂથ પાસે રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button