નેશનલ

‘જહાં મિલેંગે બાબુ શોના, તોડ દેંગે કોના કોના’, વેલેન્ટાઈન ડે પર પ્રેમીઓને ખુલ્લી ધમકીનાં પોસ્ટર

નવી દિલ્હી: પ્રેમનો ઉત્સવ ગણાતા વેલેન્ટાઈન ડેના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બિહારની રાજધાની પટનામાં આ ઉજવણીને લઈને વાતાવરણ ગરમાયું છે. હિન્દુ શિવભવાની સેના દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વેલેન્ટાઈન ડેના વિરોધમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ સંગઠનનું માનવું છે કે આ તહેવાર ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે અને તે યુવા પેઢીને ખોટા માર્ગે દોરી રહ્યો છે. પટનાની સાથે સાથે મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં પણ આ પ્રકારનો વિરોધ જોવા મળી રહ્યો છે.

શહેરની દિવાલો અને જાહેર સ્થળો પર ચિપકાવવામાં આવેલા આ પોસ્ટરોમાં સીધી ચીમકી આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર સૌથી વધુ વાયરલ થયેલું સૂત્ર છે – ‘જહાં મિલેંગે બાબુ શોના, તોડ દેંગે કોના કોના’, આ સંગઠનનો દાવો છે કે વેલેન્ટાઈન ડેના નામે અશ્લીલતા ફેલાવવામાં આવે છે અને તે ‘લવ જેહાદ’ જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે. સંગઠનના સભ્યોએ ચેતવણી આપી છે કે 14 ફેબ્રુઆરીએ તેઓ જાહેર સ્થળો પર દેખરેખ રાખશે અને જો કોઈ યુગલ ઉજવણી કરતું ઝડપાશે, તો તેમને ‘પાઠ ભણાવવામાં’ આવશે.

વિરોધ કરી રહેલા સંગઠનોએ માત્ર સંસ્કૃતિની જ વાત નથી કરી, પરંતુ આ દિવસને દેશભક્તિ સાથે પણ જોડ્યો છે. પોસ્ટરો દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે વેલેન્ટાઈન ડે ઉજવવાને બદલે 14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલામાં શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવી જોઈએ. સંગઠનનું કહેવું છે કે ભેટ-સોગાદોની આપ-લેથી શરૂ થતી આ ઉજવણી આપણી નૈતિક પરંપરાઓને નુકસાન પહોંચાડે છે, તેથી યુવાનોએ દેશના શહીદોનું સન્માન કરવું જોઈએ.

આ પોસ્ટર વિવાદે હવે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. આરજેડી (RJD) ના પ્રવક્તા એજાજ અહેમદે આ પગલાની આકરી ટીકા કરતા જણાવ્યું છે કે ભાજપ સાથે જોડાયેલા સંગઠનો સમાજમાં નફરત ફેલાવવાનું અને વિભાજન કરવાનું કામ કરી રહ્યા છે. બીજી તરફ, વહીવટીતંત્ર આ મામલે સતર્ક બન્યું છે. દર વર્ષે ભારતના અનેક શહેરોમાં વેલેન્ટાઈન ડે પર આવા વિરોધ પ્રદર્શનો અને સંગઠનોની સક્રિયતા જોવા મળે છે, પરંતુ આ વખતે પટનામાં લાગેલા આક્રમક પોસ્ટરોએ કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલ ઉભા કર્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button