
પિથોરાગઢ : સુપ્રીમ કોર્ટની લપડાક બાદ બાબા રામદેવની કંપની પતંજલિની(Patanjali) મુસીબતોમાં ઘટાડો થવાના કોઇ સંકેત નથી દેખાઈ રહ્યા. ઉત્તરાખંડના પિથોરાગઢના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે પતંજલિ આયુર્વેદ લિમિટેડના આસિસ્ટન્ટ મેનેજર સહિત ત્રણ લોકોને સોનપાપડીના ટેસ્ટ ફેલ થવા બદલ છ મહિનાની જેલની સજા ફટકારી છે. આ ત્રણેયને દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
17 ઓક્ટોબર, 2019 ના રોજ, ખાદ્ય સુરક્ષા નિરીક્ષકે પિથોરાગઢના બેરીનાગના મુખ્ય બજારમાં લીલાધર પાઠકની દુકાનની મુલાકાત લીધી હતી, જ્યાં પતંજલિ નવરત્ન ઈલાઈચી સોન પાપડી વિશે તપાસ કરવામાં આવી હતી. તેના નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા અને રામનગર કાન્હાજી ડિસ્ટ્રીબ્યુટર તેમજ પતંજલિ આયુર્વેદ લિમિટેડને નોટિસ આપવામાં આવી હતી.
ટેસ્ટિંગ લેબોરેટરીમાં તપાસ હાથ ધરવામાં આવી
તેની બાદ ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરના રૂદ્રપુરમાં સ્ટેટ ફૂડ એન્ડ ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ડિસેમ્બર 2020 માં રાજ્યના ખાદ્ય સુરક્ષા વિભાગને લેબોરેટરીમાંથી મીઠાઈઓની ગુણવત્તા ઓછી હોવાનો અહેવાલ મળ્યો હતો. આ પછી બિઝનેસમેન લીલાધર પાઠક, ડિસ્ટ્રીબ્યુટર અજય જોશી અને પતંજલિના આસિસ્ટન્ટ મેનેજર અભિષેક કુમાર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
પુરાવા સ્પષ્ટપણે ઉત્પાદનની નબળી ગુણવત્તા દર્શાવે છે
સુનાવણી બાદ કોર્ટે ત્રણેયને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006ની કલમ 59 હેઠળ અનુક્રમે 5,000, 10,000 અને 25,000 રૂપિયાના દંડની સજા ફટકારી છે.કોર્ટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. ફૂડ સેફ્ટી અધિકારીએ જણાવ્યું હતું કે, “કોર્ટમાં રજૂ કરાયેલા પુરાવા સ્પષ્ટપણે ઉત્પાદનની નબળી ગુણવત્તા દર્શાવે છે.”