વારાણસી-મુંબઈ ફ્લાઇટમાં પેસેન્જરે ઇમરજન્સી ડોર ખોલવાનો પ્રયાસ કર્યો; જાણો પછી શું થયું…

વારાણસી: ભારતનું એવિએશન સેક્ટર સતત ચર્ચામાં રહે છે, એવામાં ગઈ કાલે સોમવારે વારાણસીથી મુંબઈ જઈ રહેલી અકાસા એરની ફ્લાઇટમાં એક મુસાફરે હોબાળો મચાવ્યો હતો. પેસેન્જરે વિમાનનો ઇમરજન્સી એક્ઝિટ ડોર ખોલવાનો પ્રયાસ કર્યો હતો.
અહેવાલ મુજબ અકાસા એરની ફ્લાઇટ QP 1497 સાંજે 6.45 વાગ્યે વારાણસીથી ટેક ઓફ કરવાની હતી. અકાસા એરના પ્રવક્તાએ એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતા જણાવ્યું કે વિમાન પાર્કિંગ બે પર હતું ત્યારે એક મુસાફરે ઇમરજન્સી એક્ઝિટ ડોર કવર ખોલવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રવક્તાના જણાવ્યા મુજબ, મુસાફરની ઓળખ કરવામાં આવી હતી, અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ અનુસાર, તેને નીચે ઉતારીને સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. એરલાઈનની એન્જિનિયરિંગ ટીમે વિમાનનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું હતું અને ક્લિયરન્સ આપ્યું હતું, ત્યાર બાદ ફ્લાઈટ રાતે 9 વાગ્યે રવાના થઇ હતી.
મુસાફરે આવું કેમ કર્યું?
પોલીસના જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના ગૌરા બાદશાહપુરના મુસાફર સુજીત સિંહે ઇમરજન્સી એક્ઝિટ ખોલવાનો પ્રયાસ કર્યો. મુસાફરે જણાવ્યું કે તેણે માત્ર જિજ્ઞાસાથી ઇમરજન્સી એક્ઝિટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો.
કેબિન ક્રૂએ પાઇલટને આ બાબતની જાણ કરી હતી, પાઇલટે એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી અને વિમાનને એપ્રોન પર પાછું લાવવામાં આવ્યું. તમામ મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા.
 


