… તો સંસદના શિયાળુ સત્રમાં વન નેશન, વન ઈલેકશન સહિત અન્ય બિલ રજૂ થઈ શકે
નવી દિલ્હી: 18મી લોકસભાનું પ્રથમ શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થશે અને 20 ડિસેમ્બર સુધી ચાલશે, આ સત્રમાં સરકાર ઘણા મહત્વપૂર્ણ બિલને રજૂ કરી શકે છે. આ સત્રમાં વન નેશન-વન ઈલેક્શન અને વકફ બિલ સહિત અનેક મહત્વપૂર્ણ બિલો રજૂ કરવામાં આવી શકે છે. જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ પણ આ સત્રમાં પસાર થઈ શકે છે.
સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થશે અને 20 ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ અને ‘વક્ફ (સુધારા) બિલ, 2024’ પર ચર્ચા થવાની અપેક્ષા છે. ગૃહમંત્રી અમિત શાહ પહેલા જ કહી ચુક્યા છે કે ‘વકફ (સુધારા) બિલ, 2024’ શિયાળુ સત્રમાં પસાર કરવામાં આવશે. આ સત્ર દરમિયાન અન્ય ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની અપેક્ષા છે.
આ પણ વાંચો : 25 નવેમ્બરથી શરૂ થશે સંસદનું શિયાળુ સત્ર, આ કારણે 75 વર્ષ જૂની યાદ થશે તાજી…
બંધારણની 75મી વર્ષગાંઠ નિમિત્તે સંસદનું સંયુક્ત સત્ર 26 નવેમ્બરે સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં યોજવામાં આવી શકે છે. આ સાથે વકફ બિલ પર બનેલી JPC સંસદના શિયાળુ સત્રમાં પોતાનો રિપોર્ટ રજૂ કરી શકે છે. તમને જણાવી દઈએ કે 18મી લોકસભાનું પ્રથમ ચોમાસુ સત્ર 22 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી ચાલ્યું હતું. આ સમયગાળા દરમિયાન, કુલ 12 બિલ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 4 બિલ પાસ થયા હતા. પાસ થયેલા બિલોમાં ફાયનાન્સ બિલ 2024, એપ્રોપ્રિયેશન બિલ 2024, જમ્મુ અને કાશ્મીર એપ્રોપ્રિયેશન બિલ 2024 અને ઈન્ડિયન બિલનો સમાવેશ થાય છે.