સંસદ પરિસરમાં TMC સાંસદે ઉપરાષ્ટ્રપતિની કરી મિમિક્રી, રાહુલ ગાંધીએ વીડિયો ઉતાર્યો

નવી દિલ્હી: આજે વિપક્ષના વિરોધ પ્રદર્શન દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ સાંસદ કલ્યાણ બેનર્જી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની નકલ કરતા જોવા મળ્યા. બંને ગૃહમાંથી સસ્પેન્ડ કરાયેલા વિપક્ષના સાંસદો મંગળવારે સંસદ પરિસર પાસે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. એ વખતે ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડની નકલ ઉતારી, જ્યારે રાહુલ ગાંધી તેમનો વીડિયો ઉતારતા જોવા મળ્યા હતા.
આ ઘટના બાદ ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીની ભારે ટીકા થઇ રહી છે. ખુદ ઉપરાષ્ટ્રપતિએ આ ઘટના અંગે પ્રતિક્રિયા આપી હતી કે આ શરમજનક, હાસ્યાસ્પદ અને અસ્વીકાર્ય છે, કે એક સાંસદ મજાક ઉડાવી રહ્યો છે અને બીજો તેનો વીડિયો ઉતારી રહ્યો છે.
ભાજપે સોશિયલ મીડિયા સાઇટ X પર ઘટનાનો વીડિયો શેર કરીને લખ્યું હતું કે જો દેશની જનતા વિચારી રહી હોય કે શા માટે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તો આ તેનો જવાબ છે. ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ માનનીય ઉપરાષ્ટ્રપતિની મજાક ઉડાવી, અને રાહુલ ગાંધીએ તેમને રોકવાને બદલે તેમનો જયજયકાર કર્યો. કોઇ કલ્પના પણ કરી ન શકે કે આ લોકો ગૃહ પ્રત્યે કેટલા બેજવાબદાર અને ઉલ્લંઘનકારી હશે!
સાંબિત પાત્રાએ પણ તૃણમૂલ સાંસદ કલ્યાણ બેનર્જીનો મિમિક્રી વીડિયો તેમના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેમણે કેપશનમાં લખ્યું હતું કે “દેશ યાદ રાખશે.. જ્યારે દેશના ઉપરાષ્ટ્રપતિ અને બંધારણ સંસ્થાની મજાક ઉડાવવામાં આવી, ત્યારે રાજકુમાર વીડિયો ઉતારી રહ્યા હતા. ભારતને તોડનારા લોકો સાથે ભારતને જોડવાનો સ્વાંગ રચનારાનો એજન્ડા, જોડવું નહિ તોડવું છે. ઘમંડીઓના ઘમંડનો અંત 2024માં દેશની જનતા અવશ્ય કરશે.” તેવું સાંબિત પાત્રાએ જણાવ્યું હતું.
કેન્દ્રીય પ્રધાન અર્જુન રામ મેઘવાલે પણ તૃણમૂલ સાંસદ કલ્યાણ બેનર્જીના જગદીપ ધનખડની નકલ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “I.N.D.I ગઠબંધનના સાંસદોએ તમામ મર્યાદાઓ પાર કરી દીધી છે! દેશના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિનું રાહુલ ગાંધી અને ઘમંડિયા ગઠબંધનના સભ્યો દ્વારા સંસદ ભવન પરિસરમાં કરવામાં આવેલું અપમાન નિંદનીય છે, જાણે વિપક્ષને બંધારણીય હોદ્દાઓ અને સંસ્થાઓ માટે કોઈ સન્માન નથી.” તેવું અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું.