આ દિવસે શરૂ થશે સંસદનું સત્ર, લોકસભા અધ્યક્ષની ચૂંટણી 20 જૂને

ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ 9 જૂનના રોજ તેમના ત્રીજા કાર્યકાળ માટે શપથ લઇ લીધા છે. શપથ લીધા પછી જ મોદી સરકાર 3.0 ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે. નવી NDA સરકારે ખેડૂત કલ્યાણ સહિતના ઘણા નિર્ણયો લીધા છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ સંસદ સત્ર 18 જૂનથી શરૂ થવા જઈ રહ્યું છે.
દેશની 18મી લોકસભાનું પ્રથમ સત્ર 18 જૂનથી શરૂ થવાની સંભાવના છે. સત્રની શરૂઆત ગૃહના સભ્યો તરીકે નવા ચૂંટાયેલા ઉમેદવારોના શપથ ગ્રહણ સાથે થશે. મળતી માહિતી મુજબ ત્રણ દિવસ સુધી સાંસદોનો શપથ ગ્રહણ થશે. લોકસભા અધ્યક્ષની ચૂંટણી 20 જૂને થઈ શકે છે. જ્યારે રાષ્ટ્રપતિનું સંબોધન 21 જૂને અપેક્ષિત છે. શપથ ગ્રહણ પૂર્ણ થયા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે અને આ રીતે સત્રનું ઔપચારિક ઉદ્ઘાટન થશે. સત્ર દરમિયાન, વડાપ્રધાન મોદી તેમના મંત્રી પરિષદના સભ્યોનો બંને ગૃહોમાં પરિચય પણ કરાવશે.
Read This..
નોંધનીય છે કે નરેન્દ્ર મોદીએ ગઇ કાલે વડા પ્રધાન પદના શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને પદ અને ગુપ્તતાના સોગંદ લેવડાવ્યા હતા. આ સાથે જ પીએમ મોદીએ સતત ત્રીજી વાર વડા પ્રધાન પદના શપથ ગ્રહણ કરીને જવાહરલાલ નેહરુના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. વડા પ્રધાનના શપથ ગ્રહણ સમારોહમાં પડોશી દેશોના મહાનુભાવોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગે, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ, બાંગ્લાદેશના પીએમ શેખ હસીના, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ, નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ અને મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથે મોદીના શપથગ્રહણ સમારોહમાં ભાગ લીધો હતો.
લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી કરી હતી. તેમની સામે કૉંગ્રેસના અજય રાય ઊભા હતા. પીએમ મોદીએ તેમને લગભગ દોઢ લાખની મત સરસાઇથી હરાવ્યા હતા.