નવી દિલ્હીઃ સંસદ સુરક્ષા કેસમાં ધરપકડ કરાયેલા છ આરોપીની પોલીસ કસ્ટડી પૂરી થતા પોલીસે તેમને આજે પટિયાલા કોર્ટમાં રજૂ કર્યા હતા. આ દરમિયાન કોર્ટમાં પોલિગ્રાફ ટેસ્ટ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેસની સુનાવણી બાદ પટિયાલા હાઉસ કોર્ટે તમામ છ આરોપીઓની પોલીસ કસ્ટડી 8 દિવસ માટે વધારી દીધી છે. એવી માહિતી મળી છે કે આ કેસમાં ધરપકડ કરાયેલા તમામ આરોપીઓનો પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવશે.
આરોપીઓ પણ આ માટે સંમત થયા છે. આ અંગા માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે સંસદમાં ઘૂસણખોરીના માસ્ટરમાઇન્ડ લલિત ઝા, મહેશ કુમાવત અને અમોલ શિંદે પોલિગ્રાફ ટેસ્ટ માટે સંમત થયા છે અને આરોપી સાગર શર્મા અને મનોરંજન ડી પોલીગ્રાફ, નાર્કો એનાલિસિસ અને બ્રેઈન મેપિંગ માટે સંમત થયા છે, જ્યારે આરોપી નીલમ આઝાદ પોલિગ્રાફ ટેસ્ટ માટે સંમત થઇ નથી.
દિલ્હી પોલીસે સંસદ સુરક્ષા ચૂક કેસના તમામ આરોપીઓની કસ્ટડી વધારવા માટે કોર્ટમાં અપીલ કરી હતી. આરોપીઓના પૉલીગ્રાફ, નાર્કો ટેસ્ટ, બ્રેઇન મેપિંગ ટેસ્ટ કરવા માટે પણ અદાલતમાં અરજી કરવામાં આવી હતી. ત્યાર બાદ કોર્ટે આરોપીઓને વકીલ સાથે વાત કરવા જણાવ્યું હતું.
પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે આરોપીઓએ જે મોબાઇલ નષ્ટ કર્યા હતા, એના સિમકાર્ડ રિકવર કરવામાં આવ્યા છે અને અમુક ડેટા પણ રિકવર કરવામાં આવ્યો છે. પોલીસે અદાલતમાં જણાવ્યું હતું કે કેટલાક એવા તથ્યો છે જેને આરોપીઓએ છુપાવવાની કોશિશ કરી હતી. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર આવા સમયે આ બધા આરોપીઓના મનોવૈજ્ઞાનિક પરીક્ષણ જરૂરી છે. મનોરંજન અને સાગરનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવશે.
જોકે, આરોપીઓની કસ્ટડી વધારવાની માગનો તેમના વકીલે વિરોધ કર્યો હતો. નીલમ આઝાદના વકીલે દલીલ કરી હતી કે સોશિયલ મીડિયાના ડેટાની તપાસ માટે પોલીસ કસ્ટડીની જરૂર નથી. દિલ્હી પોલીસે કોર્ટને જણાવ્યું હતુ કે કેટલાક પાસવર્ડ છુપાવવામાં આવ્યા છે, જે જાણીને ડેટાની માહિતી મેળવવા માટે આરોપીઓની કસ્ટડી જરૂરી છે. આરોપીઓ તરફથી હાજર રહેલા વકીલે દલીલ કરી હતી કે જે પાસવર્ડની જાણકારી નહીં આપવાનો પોલીસ આક્ષેપ કરી રહી છે, એની ડિટેલ પોલીસે કોર્ટને આપવી જોઇએ.
સંસદ સુરક્ષા ચૂક કેસમાં દિલ્હી પોલીસે યુએપીએ હેઠળ એફઆઇઆર દાખલ કરી હતી. ત્યાર બાદ આરોપીઓના પહેલા પાંચથી 7 દિવસ માટે અને પછી 15 દિવસના રિમાન્ડ પોલીસને આપવામાં આવ્યા હતા. આ કેસમાં સૌથી મહત્વની વસ્તુ આરોપીઓના મોબાઇલ ફોન હતા, જેનો પોલીસ કબજો નહોતી મેળવી શકી. આરોપી લલિત ઝાએ પોલીસ સામે સરેન્ડર કરતા પહેલા મોબાઇલ તોડી નાખ્યા હતા અને એને બાળી નાખવાની પણ કોશિશ કરી હતી. પોલીસ મોબાઇલ ફોનના ટુકડાઓના ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઇ રહી છે.