નવી દિલ્હીઃ આજે ભારતીય સંસદ પર આતંકવાદી હુમલાના 22 વર્ષ પૂર્ણ થયા છે. 2001માં આ દિવસે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને અન્ય નેતાઓ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.
13 ડિસેમ્બર 2001ની સવારે ભારતીય સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું હતું. કોઈને ખ્યાલ નહોતો કે થોડી જ વારમાં આતંકવાદીઓ આ સંકુલમાં ઘૂસીને આતંક ફેલાવવાના છે. ગૃહમાં મહિલા અનામત બિલને લઈને હોબાળો ચાલી રહ્યો હતો. આ બિલ પર ચર્ચા થવાની હતી, પરંતુ સંસદની કાર્યવાહી 11:02 વાગ્યે સ્થગિત કરવામાં આવી હતી. ઠંડીનું વાતાવરણ હતું અને બહાર તડકો હતો.
વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને વિપક્ષી નેતા સોનિયા ગાંધી સંસદમાંથી બહાર નીકળી ગયા હતા. તત્કાલીન ઉપરાષ્ટ્રપતિનો કાફલો પણ જવાનો હતો. સંસદ સ્થગિત થયા બાદ ગેટ નંબર 12 પર સફેદ વાહનોનો ધસારો જોવા મળ્યો હતો. થોડીવાર પછી જે થયું તેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. લગભગ સાડા અગિયાર વાગ્યે ઉપરાષ્ટ્રપતિના સુરક્ષાકર્મીઓ તેમના બહાર આવવાની રાહ જોઈ રહ્યા હતા અને ત્યારબાદ સફેદ એમ્બેસેડર કારમાં આવેલા પાંચ આતંકવાદીઓ ગેટ નંબર 12થી સંસદમાં પ્રવેશ્યા હતા. આતંકવાદીઓની કાર ઉપરાષ્ટ્રપતિની કાર સાથે અથડાઈ હતી. તે જોઈને સુરક્ષાકર્મી એમ્બેસેડર કારની પાછળ દોડ્યા હતા. આતંકીઓ ડરી ગયા અને અંધાધૂંધ ગોળીબાર કરવા લાગ્યા. એવું લાગ્યું કે જાણે કોઈ ફટાકડા ફોડી રહ્યું છે. આતંકવાદીઓ પાસે AK-47 અને હેન્ડ ગ્રેનેડ હતા, જ્યારે સુરક્ષાકર્મીઓ તે સમયે નિઃશસ્ત્ર હતા. ગોળીઓનો અવાજ સાંભળીને આ બટાલિયન સતર્ક થઈ ગઈ. સીઆરપીએફના જવાનો દોડી આવ્યા. તે સમયે ગૃહમાં દેશના ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી, પ્રમોદ મહાજન સહિત અનેક મોટા નેતાઓ અને પત્રકારો હાજર હતા. સાંસદોને સંસદની અંદર જ રહેવા સૂચના આપી દેવામાં આવી હતી.
આ દરમિયાન એક આતંકીએ ગેટ નંબર 1થી ગૃહમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ તેને ત્યાં ઠાર માર્યો હતો. આ પછી તેના શરીર સાથે જોડાયેલ બોમ્બ પણ ફાટ્યો.બાકીના 4 આતંકવાદીઓએ ગેટ નંબર 4 થી ગૃહમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાંથી 3 ત્યાં માર્યા ગયા હતા. આ પછી, છેલ્લો આતંકવાદી ગેટ નંબર 5 તરફ ભાગ્યો, પરંતુ તે પણ જવાનોની ગોળીઓનો ભોગ બન્યો હતો. સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સવારે 11:30 વાગ્યે શરૂ થઈ અને સાંજે 4 વાગ્યે પૂરી થઈ હતી. આ હુમલામાં દિલ્હી પોલીસના 5 જવાનો સહિત 9 લોકો માર્યા ગયા હતા.
બધા આતંકવાદીઓ ઠાર થયા હતા, પરંતુ સંસદ પર હુમલાની યોજના ઘડનારાઓ હજી બાકી હતા. સંસદ હુમલાના બે દિવસ બાદ 15 ડિસેમ્બર 2001ના રોજ આ હુમલાનું કાવતરું ઘડનારા અફઝલ ગુરુ, એસએઆર ગિલાની, અફશાન ગુરુ અને શૌકત હુસૈનની ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે બાદમાં ગિલાની અને અફશાનને નિર્દોષ જાહેર કર્યા હતા, પરંતુ અફઝલ ગુરુની ફાંસીની સજા યથાવત રાખી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને