સાંસદોના સ્વાસ્થ્ય માટે સંસદની કેન્ટીનનું મેનૂ બદલાયું, હવે આ વાનગીઓ મળશે

નવી દિલ્હીઃ તાજેતરમાં જ સમોસા, જલેબી જેવી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનો વિષય ચર્ચાયો હતો ત્યારે જેમ જનતાનું સારું સ્વાસ્થ્ય જરૂરી છે, તેમ જનપ્રતિનિધિનું પણ સ્વાસ્થ્ય સારું રહે તે જરૂરી છે. આ વાતને ધ્યાનમાં લઈ સંસદભવનના મેનૂમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આ મેનૂમાં રાગી બાજરી ઈડલી અને જુવાર ઉપમાથી લઈને મૂંગ દાળ ચીલા અને શાકભાજી સાથે શેકેલી માછલી સુધીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મેનૂમાં બાજરી સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર બની છે. ચાલો વિગતે જાણીએ…
સંસદમાં એક નવું આરોગ્ય મેનૂ લાવવાની તૈયારીઓ
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની વિનંતી પર આ મેનૂ તૈયાર કરવામાં આવ્યું છે. સ્વસ્થ આહારને પ્રોત્સાહન આપવા માટે આ મેનૂમાં બાજરી આધારિત ખોરાક, ફાઇબરથી ભરપૂર સલાડ અને પ્રોટીનથી ભરપૂર સૂપનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વાનગીઓમાં કાર્બોહાઇડ્રેટ્સ, સોડિયમ અને કેલરી ઓછી હશે. આ સિવાય આ મેનૂમાં કેલરીને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. દરેક વાનગી કાળજીપૂર્વક ઉચ્ચતમ પોષણ ધોરણોને પૂર્ણ કરવા માટે બનાવવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
નવા મેનમાં કઈ વાનગીનો સમાવેશ કરવામાં આવ્યો?
સંસદમાં નવા આકર્ષક મેનૂમાં રાગી બાજરીની ઈડલી, સાંભર અને ચટની ( 270 કેલરી), જવારનો ઉપમા, (270 કેલરી) અને ખાંડ વગરની મિક્સ બાજરીની ખીર (161 કેલરી), ચના ચાટ, મગ દાળ ચીલા જેવા ભારતના લોકપ્રિય ભોજન પણ સામેલ છે. હળવા નાસ્તા માટે, તમે ‘જવ’ અને ‘જુવાર સલાડ’ (294 કેલરી) અથવા ‘ગાર્ડન ફ્રેશ સલાડ’ (113 કેલરી) જેવા વિવિધ પ્રકારના સલાડનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ સાથે ‘રોસ્ટ ટામેટા’ અને ‘તુલસી શોરબા’ અને ‘વેજીટેબલ ક્લિયર સૂપ’નો પણ સમાવેશ કરાયો છે.
માંસાહારી ખોરાક માટે આ વિકલ્પ રાખવામાં આવ્યા
જે સાંસદો માંસાહાર કરે છે તેમને કઈ ખાસ છૂટ આપવામાં આવી નથી, માંસાહારી ખોરાક માટે ફક્ત ‘ગ્રીલ્ડ ચિકન વિથ બાફેલા શાકભાજી’ (157 કેલરી) અને ‘ગ્રીલ્ડ ફિશ’ (378 કેલરી) જેવા વિકલ્પો રાખવામાં આવ્યાં છે. મેનૂમાં પીણામાં અનેક વિકલ્પો રાખવામાં આવ્યાં છે. જેમાં લીલી અને હર્બલ ચા, મસાલા સત્તુ અને ગોળના સ્વાદવાળી કેરી પન્ના, ખાંડથી ભરપૂર સોડા જે પરંપરાગત મીઠાઈઓનું સ્થાન લઈ રહી છે વગેરે જેવી પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આપણ વાંચો: ભારે વરસાદના કારણે અમરનાથ યાત્રા સ્થગિત! બાલતાલ રૂટ પર ભૂસ્ખલન થતા એકનું મોત, અનેક ઘાયલ
ખાદ્ય તેલનો ઉપયોગ ઓછો કરવા માટે સલાહ આપી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મનકી બાતમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ અંગે ચર્ચાઓ કરી હતી. તેમને લોકોને ખાદ્ય તેલનો ઉપયોગ ઓછો કરવા માટે સલાહ આપી હતી. આ સાથે લોકસભા અધ્યક્ષ પણ અવાર નવાર સંસદ સત્ર દરમિયાન સાંસદો માટે સ્વાસ્થ્ય તપાસ કેમ્પનું આયોજન કરતા હોય છે. આના માટે જ ભારત સરકારે ફિટ ઇન્ડિયા ચળવળ, બિન-સંક્રમિત રોગોના નિવારણ અને નિયંત્રણ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ, પોષણ અભિયાન, ઇટ રાઇટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા સહિત અનેક પહેલો શરૂ કરી છે.