નેશનલ

આવતીકાલથી સંસદનું બજેટ સત્રઃ તોફાની સત્ર રહી શકે

સરકાર મહત્ત્વના બિલ પાસ કરવા મક્કમ રહેશે, વિપક્ષની ભૂમિકા આક્રમક રહી શકે

નવી દિલ્હીઃ આવતીકાલથી સંસદનું બજેટ સત્ર શરુ થશે, જેમાં મહત્ત્વના બિલ પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આવતીકાલથી શરૂ થઈ રહેલા સંસદના બજેટ સત્રમાં ચર્ચા-વિચારણા કરવાની સાથે મંજૂર કરવા માટે વકફ (સુધારા) બિલ અને અન્ય ત્રણ નવા ડ્રાફ્ટ કાયદાઓને સૂચિબદ્ધ કર્યા છે. આ સત્રની શરુઆતમાં બંને સદનની સંયુક્ત બેઠકને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સંબોધિત કરશે.

વક્ફ સંશોધન બિલની સમીક્ષા કરી રહેલી સંસદની સંયુક્ત સમિતિએ આજે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પોતાનો અહેવાલ સોંપ્યો હતો. આ સાથે ગયા વર્ષે રજૂ કરાયેલા બિલ પર સંશોધન રજૂ કરવાનો માર્ગ મોકળો થયો હતો. વકફ (સુધારા) બિલની સાથે મુસલમાન વકફ (રદ) બિલ પણ રજૂ કરવામાં આવ્યું હતું.

Also read:રાષ્ટ્રપતિના અભિભાષણથી બજેટ સત્રની શરૂઆત

સરકારે સત્ર માટે ત્રણ નવા બિલોને પણ સૂચિબદ્ધ કર્યા છે, જેમાં ‘વિમાન વસ્તુઓમાં હિતોનું સંરક્ષણ બિલ’, ‘ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ’ અને ‘ઇમિગ્રેશન અને વિદેશીઓ બિલ’નો સમાવેશ થાય છે. સત્ર માટે સરકારે નાણા બિલ, 2025 અને સંબંધિત અનુદાન માંગણીઓ અને વિનિયોગ બિલોને પણ સૂચિબદ્ધ કર્યા છે. આવા 10 અન્ય બિલ છે જે ગયા સત્રથી બંને ગૃહોમાં પેન્ડિંગ છે. બજેટ સત્રમાં સરકાર મહત્ત્વના બિલ પાસ કરવા માટે મક્કમ રહેશે, જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિ ગઠબંધન સત્રમાં કામકાજ ખોરવી શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આવતીકાલે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે સત્રની શરૂઆત થશે અને ત્યાર બાદ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. સત્રનો પહેલો તબક્કો 13 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે જ્યારે બીજો તબક્કો 10 માર્ચથી શરૂ થશે. આ સત્ર 4 એપ્રિલના રોજ સમાપ્ત થવાનો પ્રસ્તાવ છે.

દરમિયાન આજે સર્વપક્ષની બેઠક પછી સંસદીય બાબતોના કાર્યમંત્રી કિરને રિજ્જિુએ કહ્યું હતું કે આજની બેઠક મહત્ત્વની રહી. બેઠકમાં 36 પક્ષના બાવન નેતા ઉપસ્થિત રહ્યા હતા. મહાકુંભમાં નાસભાગ મુદ્દે સંસદમાં ચર્ચા કરવાની વિપક્ષની માગ પર બિઝનેસ એડવાઈઝરી કમિટી નિર્ણય કરશે, એમ તેમણે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button