
કોમેડી અને એક્શન ફિલ્મોમાં પોતાની અભિનય પ્રતિભા દેખાડનાર અભિનેતા પંકજ ત્રિપાઠીએ વિલનની ભૂમિકા ભજવીને પણ લોકોના દિલ પર રાજ કર્યું છે. પોતાના દમદાર અભિનય માટે પ્રખ્યાત પંકજ ત્રિપાઠી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તેમના બનેવી રાકેશ તિવારીનું શનિવારે સાંજે લગભગ 4 વાગ્યે ધનબાદ જિલ્લાના નિરસા ચોક પાસે NH2 પર માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં પંકજ ત્રિપાઠીની બહેન સવિતા તિવારી પણ ગંભીર રીતે ઘાયલ થઈ છે. સવિતાને SNMMCH ધનબાદમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની માહિતી મળતા પંકજ તિવારી તુરંત બહેન પાસે જવા રવાના થઇ ગયા હતા.
મળતી માહિતી મુજબ રાકેશ તેના સમગ્ર પરિવાર સાથે તેના વતન કમાલપુર તેના માતા-પિતાને મળવા આવ્યો હતો. શનિવારે બધાં ચિત્તરંજન પાસે પાછાં ફરી રહ્યાં હતાં. પંકજ ત્રિપાઠીના બનેવી રાકેશ તિવારી કાર ચલાવી રહ્યા હતા. કારમાં બહેન સરિતા તિવારી અને તેમના બે બાળકો પણ હતા. પરંતુ ઝારખંડના ધનબાદ જિલ્લાના સિરસામાં તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં રાકેશનું મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા હતા.
ત્રણેય ઘાયલોની ધનબાદની શહીદ નિર્મલ મહાતો મેડિકલ કોલેજ હોસ્પિટલ (SNMMCH)માં સારવાર ચાલી રહી છે.
રાકેશ તિવારી ચિત્તરંજન રેલવેમાં નોકરી કરતા હતા. તેમની ડ્યુટી રેલ્વેની જીએમ ઓફિસમાં હતી. જ્યારે સરિતા પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં સરકારી શિક્ષક છે.
પંકજ ત્રિપાઠી રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા છે, જે ‘મેં અટલ હું’, ‘OMG-2’, ‘સ્ત્રી’, ‘લુડો’ જેવી બોલિવૂડ ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ માટે જાણીતા છે. વેબ-સિરીઝ “મિર્ઝાપુર” માં તેની દમદાર ભૂમિકા માટે તેને “કાલીન ભૈયા” તરીકે પણ ઓળખવામાં આવે છે. પંકજના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ, તો તાજેતરમાં જ તે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘મર્ડર મુબારક’માં પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકામાં જોવા મળ્યો હતો.
આ એક મર્ડર મિસ્ટ્રી ફિલ્મ હતી જેમાં કરિશ્મા કપૂર, વિજય વર્મા, સારા અલી ખાન, ટિસ્કા ચોપરા અને ડિમ્પલ કાપડિયા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળી હતી. ફિલ્મને બહુ રિસ્પોન્સ મળ્યો ન હતો. હવે પંકજ ત્રિપાઠી ‘સ્ત્રી 2’માં જોવા મળશે. ‘સ્ત્રી 2’ આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. ચિરાગ પાસવાને પણ પંકજ ત્રિપાઠીના પરિવારમાં દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.