ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની હાલત કફોડી બની છે. મોંઘવારીએ સામાન્ય લોકોની કમર તોડી નાખી છે. પાકિસ્તાન સરકાર પાસે દેશ ચલાવવા માટે પણ પૈસા નથી. લોન લઈને ધંધો કરવો પડશે. દેવું, મોંઘવારી અને ગરીબી પાકિસ્તાનની સરકારી એરલાઈન્સને પણ અસર કરી રહી છે. સ્થિતિ એવી છે કે પાકિસ્તાન પોતાના વિમાનોમાં ઈંધણ ભરવામાં પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે.
પાકિસ્તાનની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે તેની પાસે તેની સરકારી એરલાઈન ‘PIA’ના વિમાનોમાં ઈંધણ ભરવા માટે પણ પૈસા નથી. જેના કારણે તેને આંતરરાષ્ટ્રીય અપમાનનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનની સરકારી એરલાઈન ‘પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ’ (PIA) કંગાળ થઇ ગઇ છે. એરલાઈન્સ પાસે ઈંધણ ભરવા માટે પણ પૈસા બચ્યા નથી.આ કારણે પાકિસ્તાનના એક એરક્રાફ્ટને તાજેતરમાં સાઉદી અરેબિયાના દમન એરપોર્ટ પર અને અન્ય ચાર એરક્રાફ્ટને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના દુબઈ એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. એરલાઈન્સ દ્વારા લેખિત ખાતરી આપ્યા બાદ જ વિમાનોને ઉડવાની મંજૂરી આપવામાં આવી હતી. બંને દેશો પાકિસ્તાનના મિત્ર હોવા છતાં આ ઘટના બની છે, જેને આતંરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાનના ઘોર અપમાન તરીકે જોવામાં આવી રહી છે.
‘PIA’ સ્થિતિ એટલી ખરાબ છે કે તેની ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્ટાફનો પગાર પણ અટકાવવામાં આવી રહ્યો છે. તેણે ઘણા દેશોના એરપોર્ટ ઓથોરિટીને ચૂકવવાના બાકી લેણાં પણ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA)એ પાકિસ્તાનની ઈકોનોમિક કોઓર્ડિનેશન કમિટીને મદદ માટે અપીલ કરી છે. PIAએ લગભગ 2290 કરોડ રૂપિયાની મદદ માંગી છે, પરંતુ તેની વિનંતી ફગાવી દેવામાં આવી છે.
Taboola Feed