પાકિસ્તાનના ગુજરાતી હિન્દુ ક્રિકેટરે મીડિયામાં પાકિસ્તાની નાયબ વડાપ્રધાનની ઝાટકણી કાઢી | મુંબઈ સમાચાર
નેશનલસ્પોર્ટસ

પાકિસ્તાનના ગુજરાતી હિન્દુ ક્રિકેટરે મીડિયામાં પાકિસ્તાની નાયબ વડાપ્રધાનની ઝાટકણી કાઢી

કરાચી/નવી દિલ્હી: પાકિસ્તાનના ગુજરાતી વૈષ્ણવ પરિવારના જાણીતા ક્રિકેટર દાનિશ કનેરિયા (Danish Kaneria)એ સોશિયલ મીડિયામાં પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક દર (Ishaq Dar)ને ખૂબ વખોડ્યા છે.

પાકિસ્તાન (Pakistan)ના નાયબ વડાપ્રધાન (Deputy PM) ઈશાક દરે ભારતના કાશ્મીર રાજ્યના પહલગામ (PAHALGAM)માં મંગળવારે હિન્દુ પર્યટકો પર હુમલો કરનાર પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદીઓને આઝાદીની ચળવળ માટેના લડવૈયા (FREEDOM FIGHTERS) તરીકે ઓળખાવ્યા એટલે કનેરિયા ગુસ્સે થયો છે.

બે દિવસ પહેલાં જ કનેરિયાએ પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ વિશે સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે ‘ભારતના પહલગામમાં આટલો મોટો આતંકી હુમલો થયો અને તમે કેમ ચૂપ છો, કેમ કંઈ બોલતા નથી?’

2019ના પુલવામા અટૅક પછીના સૌથી મોટા પહલગામ આતંકી હુમલામાં 28 નાગરિકોના મૃત્યુ થયા છે. આ હુમલો હિન્દુઓને લક્ષ્યાંક બનાવીને જ કરવામાં આવ્યો હતો.

ઈશાક દરે ગુરુવારે પત્રકારોને કહ્યું હતું કે ‘યે તો હમેં શુકર ગુઝાર હોના ચાહિયે. વો ફ્રિડમ ફાઈટર્સ ભી હો સકતે હૈ…હમેં નહીં પતા કૌન થે વો. હમનેં ઑનેસ્ટી કે સાથ સ્ટેટમેન્ટ દિયા થા લેકિન મૈં સમઝતા હું ઉન્હોં ને (ઇન્ડિયાને) અપને ફેઈલિયર કો જો ઇન્ટર્નલ હૈ…એક બાર ફિર ઈન્ડાયરેક્ટલી પાકિસ્તાન કો જો હૈ હવાલા કરને કી કોશિશ કી હૈ…’

આપણ વાંચો:  રફાલ ડીલ પર લાગી બ્રેક? ફ્રાન્સના સંરક્ષણ પ્રધાનની ભારત મુલાકાત અચાનક રદ

દાનિશ કનેરિયાએ ‘એક્સ’ પરના પોતાના હૅન્ડલ પર જણાવ્યું છે કે ‘પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક દરની આ પ્રતિક્રિયા શરમજનક તો છે જ, તેઓ આડકતરી રીતે પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદને ખુલ્લેઆમ પોષણ પણ આપી રહ્યા છે.’
હિન્દુ હોવા બદલ ગર્વ અનુભવતા દાનિશ કનેરિયાએ ‘એક્સ’ પર બીજી એક પોસ્ટમાં એવું લખ્યું છે કે ‘હું હિન્દુ છું એનો મને ગર્વ છે. હિન્દુ હોવા છતાં જે દેશમાં મારો જન્મ થયો એને મેં ક્રિકેટના ક્ષેત્રે ભરપૂર સેવા આપી છે. વિશ્વભરમાં હિન્દુઓનો સ્પષ્ટ અભિગમ રહ્યો છે કે તેઓ જે દેશમાં જન્મ્યા હોય કે સ્થાયી થયા હોય એ દેશને વફાદાર રહેતા હોય છે. મને પાકિસ્તાનની પ્રજાનો ઘણો પ્રેમ મળ્યો છે, પરંતુ પાકિસ્તાનના શાસકો મારી સાથે ઓરમાયુ વર્તન કરી રહ્યા છે. ભારત-પાકિસ્તાનના ભાગલા પછી પાકિસ્તાનમાં મારા હિન્દુ ભાઈ-બહેનો સાથે જે ભેદભાવભર્યું વર્તન થયું છે એવું જ મારી સાથે પણ થયું છે.’

સંબંધિત લેખો

Back to top button