Top Newsનેશનલ

પાકિસ્તાનનું બંધારણ બદલાશે? એક વ્યક્તિને શક્તિશાળી બનાવવા શાહબાઝ શરીફ લેશે મોટો નિર્ણય

ઇસ્લામાબાદ: પહલગામ હુમલા બાદ પાકિસ્તાનનો અસલી ચહેરો દુનિયાની સામે આવી ગયો છે. તેમ છતાં પાકિસ્તાને બડાશ મારવાનું બંધ કર્યું નથી. યુદ્ધવિરામ બાદ પાકિસ્તાને પોતાના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને વધુ શક્તિશાળી બનાવી દીધા છે. હવે પાકિસ્તાન આસીમ મુનીર માટે પોતાના બંધારણમાં સુધારો કરવા જઈ રહ્યું છે.

પાકિસ્તાનમાં થશે 27મો બંધારણીય સુધારો

શાહબાઝ શરીફ સરકાર બંધારણમાં મોટો સુધારો કરવા જઈ રહી છે. જેનો હેતુ આસીમ મુનીરને પાકિસ્તાનની સૌથી શક્તિશાળી વ્યક્તિ બનાવવાનો છે. આ માહિતી વડા પ્રધાન શાહબાઝ શરીફે નહીં, પરંતુ PPPના નેતા બિલાવલ ભુટ્ટોએ એક્સ પર પોસ્ટ કરીને આપી હતી. બિલાવલે ખુલાસો કર્યો કે, શાહબાઝ શરીફે બંધારણીય સુધારા માટે સમર્થન મેળવવા તેમના પક્ષનો સંપર્ક કર્યો છે.

ભૂતપૂર્વ સાંસદ મુસ્તફા નવાઝ ખોખરે જણાવ્યું હતું કે, આ આગામી 27મા બંધારણીય સુધારાનો મુખ્ય હેતુ બંધારણની કલમ 243માં ફેરફાર કરવાનો છે. મુસ્તફા નવાઝ ખોખરે X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “27મા સુધારાનો મુખ્ય હેતુ કલમ 243માં સુધારો કરવાનો છે, જે સશસ્ત્ર દળોના નિયંત્રણ અને કમાન્ડ તેમજ સેવા વડાઓની નિમણૂક સાથે સંબંધિત છે. બાકી બધું ફક્ત હવાબાજી છે.”

ફિલ્ડ માર્શલને બંધારણીય દરજ્જો નથી

પાકિસ્તાન સરકાર દ્વારા લાગુ કરવામાં આવી રહેલા આ સુધારાઓમાં બંધારણીય અદાલતો અને ન્યાયાધીશોના સ્થાનાંતરણ સંબંધિત જોગવાઈઓ ઉપરાંત કલમ 243 માં ફેરફારનો સમાવેશ થશે. પાકિસ્તાનના કાયદા રાજ્યમંત્રી અકીલ મલિકે મીડિયાને જણાવ્યું હતું કે, “1973નું બંધારણ અમલમાં આવ્યા પછી આ પહેલીવાર છે. જ્યારે કોઈ અધિકારીને ફિલ્ડ માર્શલના પદ પર બઢતી આપવામાં આવી રહી છે, જેનો હાલમાં બંધારણમાં કોઈ કાનૂની દરજ્જો નથી.”

અસીમ મુનીર 28 નવેમ્બર, 2025 ના રોજ સત્તાવાર રીતે નિવૃત્ત થવાના છે. તેથી, બંધારણીય સુધારા દ્વારા કલમ 243 માં ફેરફાર કરવાનો પ્રસ્તાવ જનરલ મુનીરના પદ અને શક્તિને વધારવા તેમજ તેમનો કાર્યકાળ લંબાવવાના પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે. વડા પ્રધાન શાહબાઝ શરીફ છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ પ્લેટફોર્મ પરથી અસીમ મુનીરની પ્રશંસા કરી રહ્યા છે, પરંતુ આ બંધારણીય નિર્ણય અંગે તેઓ ગુપ્તતા જાળવી રહ્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button