પાકિસ્તાને ફરી LoC પારથી ગોળીબાર કર્યો, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

નવી દિલ્હી: રવિવારે પાકિસ્તાન દ્વારા ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં (Pakistan violates cease fire) આવ્યું છે. અહેવાલ મુજબ જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં લાઈન ઓફ કંટ્રોલ (LoC) પારથી પાકિસ્તાની સેનાએ ભારતીય સેનાની ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાની હરકતનો વળતો જવાબ આપ્યો હતો. અહેવાલ મુજબ સવારે 11ના અરસામાં ગોળીબાર થયો હતો.
સેનાના અધિકારીઓએ એક ન્યુઝ એજન્સીને જણાવ્યું કે પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ અને કાશ્મીરના પૂંછ સેક્ટરમાં LoC પર ભારતીય ચોકી પર નાના હથિયારોથી ગોળીબાર કર્યો. ભારતીય સેનાએ પણ આનો વળતો જવાબ આપ્યો હતો. આ ગોળીબારમાં કોઈ જાનહાનિ થઈ નથી.
Also read: LoC પર ભારતીય સેનાને મળી મોટી સફળતા, ઘુસણખોરીનો પ્રયાસ કરતા સાત પાકિસ્તાનીને કર્યા ઠાર…
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન દ્વારા લગભગ 18 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારના જવાબમાં ભારતીય સેનાએ 60 રાઉન્ડ ફાયરિંગ કર્યું. થોડા સમય સુધી બંને તરફે ગોળીબાર ચાલુ રહ્યો. આ ઘટના બાદ ભારતીય સેનાએ સરહદી વિસ્તારમાં સર્વેલન્સ વધારી દીધું છે. અહેવાલ મુજબ નક્કરકોટ ખાતે પાકિસ્તાની ફોરવર્ડ ડિફેન્સિવ લોકેશન (FDL) થી ગોળીબાર શરૂ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ગોળીબાર પાછળ પાકિસ્તાની સેનાનો હાથ છે કે ઘૂસણખોરી કરવાની તાકમાં જંગલમાં છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. નોંધનીય છે કે તાજેતરમાં જ જમ્મુ અને કાશ્મીરના અખનૂર સેક્ટરમાં IED વિસ્ફોટમાં ભારતીય સેનાના બે સૈનિકો શહીદ થયા હતા.