જ્યારે Pakistani શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચ્યા રામલલ્લાના દર્શન કરવા, કહ્યું કાશ…

હેડિંગ વાંચીને આંખો પહોળી થઈ ગઈ ને? પણ હકીકત છે. પડોશી દેશ પાકિસ્તાનથી કેટલાક શ્રદ્ધાળુઓ અયોધ્યા ખાતે રામલલ્લાના દર્શન કરવા માટે પહોંચ્યા છે. એટલું જ નહીં તેમણે રામલલ્લાના દર્શન કર્યા બાદ તેઓ ભારતની સ્વતંત્રતા, રહેણી-કરણી અને પોતાના મન પ્રમાણે જીવવાની આઝાદી જોઈને એટલા પ્રભાવિત થઈ ગયા હતા તેમણે કહ્યું કે કાશ આટલી આઝાદી અમને ત્યાં પાકિસ્તાનમાં પણ મળી હોત…
મળી રહેલી માહિતી પ્રમાણે પાકિસ્તાનના 34 જિલ્લામાંથી આવેલા સિંધી શ્રદ્ધાળુઓના ગ્રુપે પાકિસ્તાનમાં રહેવાના અનુભવ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે કઈ રીતે તેમના દેશમાં કોઈ પણ ખાસ તહેવારના આયોજન પર પ્રતિબંધો મૂકવામાં આવે છે, જેથી હિંદુસ્તાન જેવો માહોલ નથી જોવા મળતો. એટલું જ નહીં તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે અહીંયા રાતના સમયે પણ મહિલાઓ કેટલા આરામથી હરી ફરી શકે છે, જ્યારે પાકિસ્તાનમાં આટલી સ્વતંત્રતા નથી.
પાકિસ્તાનથી કુલ 25 જેટલા શ્રદ્ધાળુઓ અયોધ્યા ખાતે રામ લલ્લાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આ તમામ શ્રદ્ધાળુઓ રામ લલ્લાના દર્શન કર્યા બાદ છ શહેરોમાં ફરવા માટે પણ ગયા હતા અને તેમને અહીંનો માહોલ ખૂબ જ પસંદ આવ્યો હતો. આ પાકિસ્તાની શ્રદ્ધાળુઓ 15 દિવસની ભારતયાત્રા પર આવ્યા છે અને તેઓ કરાચી, લાહોર, ઘોટકીના રહેવાસી છે. અમૃતસર, રાયપુર, પ્રયાગરાજ, અયોધ્યા, હરિદ્વારના ધાર્મિક સ્થળોના દર્શન કર્યા બાદ તેઓ પાછા પોતાના દેશ જતાં રહેશે.
આ ગ્રુપ સાથે આવેલા એક યુવકે જણાવ્યું હતું કે તે પહેલી વખત પાકિસ્તાનથી ભારત આવ્યો છે અને અહીં આવ્યા બાદ તેને એવું લાગ્યું હતું કે ત્રેતા યુગમાં રામરાજ્ય આવું જ રહ્યું હશે, જેવા માહોલ અત્યારે ભારતમાં જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં યુવકે તો એવું પણ કહ્યું હતું કે અમે લોકો તો તહેવારના દિવસે પણ પોતાના દેશમાં તહેવાર નથી ઉજવી શકતા. પાકિસ્તાનમાં શિવરાત્રિ, જન્માષ્ટમી જેવા તહેવારો સામુહિક રૂપમાં ઉજવવાની સ્વતંત્રતા પણ ન હોવાનું તેણે જણાવ્યું હતું.