પાકિસ્તાની રેન્જર્સે બીએસએફના જવાનને કસ્ટડીમાં લીધો, ભૂલમાં કરી હતી બોર્ડર પાર, ફ્લેગ મીટિંગ ચાલુ

નવી દિલ્હી : ભારતીય સરહદ સુરક્ષા દળ(BSF)ના એક જવાનને પાકિસ્તાન રેન્જર્સ દ્વારા પંજાબ સરહદ પાર કર્યા બાદ અટકાયતમાં લેવામાં આવ્યો હતો. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, એક અધિકારીએ જણાવ્યું હતું કે સૈનિકની મુક્તિ માટે બંને દેશોના દળો વચ્ચે વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું કે 182મી બટાલિયનના કોન્સ્ટેબલ પીકે સિંહને બુધવારે ફિરોઝપુર સરહદ પારથી પાકિસ્તાન રેન્જર્સ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
પાકિસ્તાની રેન્જર્સે બીએસએફ જવાનને અટકમાં લીધો
આ ઉપરાંત અધિકારીએ કહ્યું કે સૈનિક યુનિફોર્મમાં હતો અને તેની પાસે સર્વિસ રાઈફલ પણ હતી. તેમણે કહ્યું કે બીએસએફ જવાન ખેડૂતો સાથે હતો અને તે છાયડામાં આરામ કરવા માટે આગળ ગયો હતો. ત્યારબાદ તેને પાકિસ્તાની રેન્જર્સે પકડી લીધો. અધિકારીઓએ જણાવ્યું કે બીએસએફ જવાનની મુક્તિ માટે બંને દેશોના દળો વચ્ચે ફ્લેગ મીટિંગ ચાલી રહી છે.
અધિકારીએ કહ્યું કે આવી ઘટનાઓ અસામાન્ય નથી અને બંને પક્ષો વચ્ચે પહેલા પણ આવી ઘટનાઓ બની છે. અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના પહેલગામ આતંકવાદી હુમલાની પૃષ્ઠભૂમિમાં બની હતી. જેના પગલે ભારતે આતંકવાદને પ્રાયોજિત કરવા બદલ પાકિસ્તાન વિરુદ્ધ અનેક પગલાં લીધાં હતાં.
આ પણ વાંચો: ફિરોજપુરમાં ઝીરો લાઈન પાર કરી લેતા ભારતીય જવાનને પાકિસ્તાને પકડી લીધો, અધિકારીઓ સરહદ પર પહોચ્યાં
ભારત અને પાકિસ્તાને એકબીજા સામે કાર્યવાહી કરી
આ ઘટના એવા સમયે બની છે જ્યારે ભારત અને પાકિસ્તાને પહેલગામ આતંકવાદી હુમલા અંગે એકબીજા વિરુદ્ધ કડક નિર્ણયો લીધા છે. ભારતની કાર્યવાહી બાદ, પાકિસ્તાન સરકારે ગુરુવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC) ની બેઠક બોલાવી. આ બેઠકમાં પાકિસ્તાન સરકારે ભારત સાથેના વેપાર સંબંધો સમાપ્ત કરવાની જાહેરાત કરી. આ ઉપરાંત પાકિસ્તાને સિમલા કરારને પણ સ્થગિત કરી દીધો છે.
પાકિસ્તાને વિમાનો માટે એર સ્પેશ બંધ કરી
પાકિસ્તાને ભારતીય વિમાનો માટે એર સ્પેશ બંધ કરી છે. ભારત દ્વારા સિંધુ જળ સંધિને રદ કરવાના નિર્ણય અંગે પાકિસ્તાને કહ્યું કે પાણી બંધ કરવું એ યુદ્ધ સમાન કૃત્ય છે. પાકિસ્તાને સિંધુ જળ સંધિ ને એકપક્ષીય રીતે સ્થગિત કરવાના ભારતના નિર્ણયનો સખત વિરોધ કર્યો છે અને આ મુદ્દો વિશ્વ બેંક અને અન્ય આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવવાની જાહેરાત કરી છે.