નવી દિલ્હીઃ એમ કહેવાય છે કે પ્રેમને નાતજાત, નજીક દૂર એવા કોઇ સિમાડા નડતા નથી. પ્રેમ માટે થઇને તેઓ સાત સમંદર પણ પાર કરી શકે છે. સીમા હૈદર અને અંજુના કિસ્સા બાદ ક્રોસ બોર્ડર પ્રેમનો અન્ય એક કેસ સામે આવ્યો છે. પોતાના પ્રેમને પામવા માટે પાકિસ્તાની દુલ્હન સત્તાવાર વિઝા લઇને આજે ભારત આવી છે.
આ પાકિસ્તાની પ્રેમિકાનું નામ છે જાવેરિયા ખાનુમ. તે ભારતના કોલકાતાના રહેવાસી સમીર ખાન સાથે લગ્ન કરવા માગે છે. પાકિસ્તાની દુલ્હનને ભારતના વિઝા ન મળતા બંને પરિવારોની ચિંતા વધી ગઈ હતી. જો કે હવે ભારત સરકારે પાકિસ્તાની દુલ્હનને વિઝા આપ્યા છે. આવી સ્થિતિમાં પાકિસ્તાની યુવતી જાવરિયા ખાનુમ આજે એટલે કે મંગળવારે અમૃતસરની અટારી બોર્ડરથી ભારતમાં પ્રવેશ કર્યો છે. ભારત સરકારે તેમને 45 દિવસના વિઝા આપ્યા છે.
જાવેરિયા ખાનુમ કરાચીની રહેવાસી છે. કોલકાતાના રહેવાસી તેના મંગેતર સમીર ખાન સાથે લગ્ન કરવા ભારત પહોંચી રહી છે. કરાચીના રહેવાસી અઝમત ઈસ્માઈલ ખાન અને તેમની પુત્રી જાવરિયા ખાનુમનું સ્વાગત સમીર ખાન અને તેમના પિતા અહેમદ કમાલ ખાન યુસુફઝાઈ દ્વારા અમૃતસરની અટારી સરહદ પર કરવામાં આવશે. હાલમાં કોલકાતાના રહેવાસી સમીર ખાન અને તેના પિતા પંજાબના ગુરદાસપુર જિલ્લાના કાદિયાન ગામમાં તેમના પરિચિતો સાથે રહે છે.
જવેરિયાએ ભારત આવવા માટે વિઝા માટે અરજી કરી હતી, પણતેની અરજી રદ થઇ ગઇ હતી, જેના કારણે પરિવારના સભ્યો ખૂબ જ નિરાશ થઈ ગયા હતા અને તેઓએ ફરીથી વિઝા માટે અરજી કરી હતી. જવેરિયાનો વિઝા બીજી વખત પણ કેન્સલ થયો હતો. ત્યાર બાદ પંજાબના એક સામાજિક કાર્યકરના પ્રયાસોને કારણે જવેરિયાને 45 દિવસ માટે વિઝા મળ્યા હતા. હવે જવેરિયા ખાનુમ અમૃતસર પહોંચતાની સાથે જ તે અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટથી કોલકાતા જશે. જવેરિયા અને સમીર થોડા દિવસોમાં લગ્ન કરશે. આ પછી તે ભારત સરકાર પાસેથી લાંબા ગાળાના વિઝા એક્સટેન્શન માટે અરજી કરશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને