
શ્રીનગર: સીમા પારથી ઘુસેલા પાકિસ્તાની આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં હુમલો કરી 26 લોકોના જીવ લીધા. (Pahalgam Terrorist attack) આ હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાન સામે રોષનો માહોલ છે, ભારત સરકાર પણ પાકિસ્તાન સામે કડક પગલા ભરી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પાકિસ્તાનની ટીકા થઇ રહી છે, પરંતુ પાકિસ્તાન તેની હરકતો છોડી નથી રહ્યું. આજે શુક્રવારે સવારે લાઈન ઓફ કંટ્રોલ(LoC) પર પાકિસ્તાની સેનાએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારનો ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો હતો. જોકે, ભારતીય સેનાએ આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી.
એક મીડિયા ચેનલ સાથે વાત કરતા ભારતીય સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાની સેનાએ સરહદ પર નાના હથિયારો વડે ગોળીબાર કર્યો હતો. આપણા સૈનિકોએ જવાબ આપ્યો છે. વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. કોઈ જાનહાનિ થઈ નથી.’
પહેલગામ હુમલા બાદ એવી ચર્ચા રહી છે કે ભારત LoC પર યુદ્ધવિરામ કરારનો ખતમ કરી શકે છે. ભારત સરકાર આ અંગે વિચારણા કરી રહી છે. હાલમાં આ અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. એવામાં સીમા પર ગોળીબાર થતા તણાવ વધી ગયો છે.
જમ્મુ અને કાશ્મીરમાં વધુ આતંકવાદી હુમલાની શંકાને પગલે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની વ્યાપક સમીક્ષા કરવા માટે સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આજે શુક્રવારે શ્રીનગરની મુલાકાત લેશે. અહેવાલ મુજબ તેઓ નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા ચાલી રહેલા યુદ્ધવિરામ ઉલ્લંઘનની પણ સમીક્ષા કરશે.
આ પણ વાંચો…પાકિસ્તાની રેન્જર્સે બીએસએફના જવાનને કસ્ટડીમાં લીધો, ભૂલમાં કરી હતી બોર્ડર પાર, ફ્લેગ મીટિંગ ચાલુ