ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને કર્યો હતો ઉરી હાઇડ્રો પ્રોજેક્ટને નિશાન બનાવવાનો પ્રયાસ, ભારતે નિષ્ફળ બનાવ્યો

નવી દિલ્હી : ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યા બાદ પાકિસ્તાને કરેલી નાપાક્હ હરકતની વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં ભારતે પહલગામ આતંકી હુમલાનો બદલો લેવા ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું. તેના થોડા સમયમાં જ પાકિસ્તાને એલઓસી પર ઉરી હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સીઆઈએસએફના 19 જવાનોએ આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
ડાયરેક્ટર જનરલ ડિસ્કથી સન્માનિત
આ અંગે સીઆઈએસએફે માહિતી શેર કરી હતી. જેમાં જણાવ્યું કે હુમલા દરમિયાન ભારે ગોળીબાર છતાં દુશ્મનના ડ્રોન નાશ પામ્યા. ઉરી હાઇડ્રો પાવર પ્લાન્ટ જમ્મુ અને કાશ્મીરમાં એલઓસીથી થોડા કિલોમીટર દૂર સ્થિત છે. સીઆઈએસએફે તેના 19 કર્મચારીઓને સંઘર્ષ દરમિયાન અસાધારણ બહાદુરી દર્શાવવા બદલ ડાયરેક્ટર જનરલ ડિસ્કથી સન્માનિત કર્યા હતા. ત્યારે આ વિગતો પ્રકાશમાં આવી હતી.
આ પણ વાંચો: ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાને રાફેલ વિમાન તોડવાના કરેલા દુષ્પ્રચારમાં ચીનની સંડોવણી…
મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અને રહેણાંક વિસ્તારો જોખમમાં મુકાયા હતા
ઉલ્લેખનીય છે કે, ભારતીય સેના દ્વારા 6-7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પીઓકેના આતંકી કેમ્પોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમજ પાકિસ્તાન વળતા ગોળીબારથી એલઓસી નજીકના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અને રહેણાંક વિસ્તારો જોખમમાં મુકાયા હતા. જેના લીધે ઉરી હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ માટે મોટો ખતરો ઉભો થયો. સીઆઈએસએફે જણાવ્યું હતું કે તેના એકમો એલઓસી થી માત્ર 8 થી 10 કિલોમીટર દૂર સ્થિત હતા. ત્યારે આ કર્મચારીઓએ ગોળીબાર વચ્ચે પોતાનો જીવ જોખમમાં મૂકીને બહાદુરીપૂર્વક પાકિસ્તાનનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.
19 જવાનોએ સન્માનિત કરવામાં આવ્યા
સીઆઈએસએફે જણાવ્યું કે, કમાન્ડન્ટ રવિ યાદવના નેતૃત્વમાં ડેપ્યુટી કમાન્ડન્ટ મનોહર સિંહ અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સુભાષ કુમારની મદદથી ટીમોએ પાવર પ્રોજેક્ટ અને આસપાસના રહેણાંક વિસ્તારોને બચાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરી. સન્માનિત કર્મચારીઓમાં કમાન્ડન્ટ રવિ યાદવ (UHEP ઉરી-I)અને ઉરી-II (UHEP ઉરી-II),મનોહર સિંહ અને સુભાષ કુમાર (UHEP ઉરી-II)નો સમાવેશ થાય છે. કોન્સ્ટેબલ સુશીલ વસંત કાંબલે, રઝિક અહેમદ અબ્દુલ રફીક, વાનખેડે રવિન્દ્ર ગુલાબ અને ત્રિદેવ ચકમા (બધા UHEP ઉરી-I ના). ઇન્સ્પેક્ટર દીપક કુમાર ઝા અને હેડ કોન્સ્ટેબલ ગુરજીત સિંહ પણ ટીમનો ભાગ હતા. તેમજ કોન્સ્ટેબલ સોહન લાલ, મુફીદ અહેમદ અને મહેશ કુમાર પણ ટીમનો ભાગ હતા.



