નેશનલ

આતંકવાદી મસૂદ અઝહરના સંબંધીઓને પાકિસ્તાન ચૂકવશે 14 કરોડનું વળતર

ભારતના હુમલામાં માર્યા જનારા આતંકવાદીના પરિવારોને મદદ કરવાની જાહેરાત

ઇસ્લામાબાદ: જમ્મુ કાશ્મીરનાં પહલગામમાં થયેલા આતંકી હુમલાનાં જવાબમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકી ઠેકાણાંને ધ્વસ્ત કરી દીધા હતા. ભારતીય સેનાની આ કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદનું (Jaish-e-Mohammed) મુખ્ય મથક પણ ખંડેરમાં ફેરવાઈ ગયું હતું અને 100થી વધુ આતંકીઓ માર્યા ગયા હતા. આ કાર્યવાહી બાદ પાકિસ્તાનની શહેબાઝ સરકારે ભારતીય હુમલામાં માર્યા ગયેલા દરેક નાગરિકના પરિજનોને 1 કરોડ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનના વડાપ્રધાન (Pakistan PMO) કાર્યાલય દ્વારા જાહેર કરાયેલી એક અખબારી યાદીમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મસૂદ અઝહરને 14 કરોડ રૂપિયાનું વળતર મળી શકે છે

પાકિસ્તાની મીડિયા અહેવાલો અનુસાર, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહરના 14 જેટલા સંબંધીઓ આ હુમલામાં માર્યા ગયા છે. આથી એવું માનવામાં આવે છે કે પાકિસ્તાન સરકાર તરફથી મસૂદ અઝહરને 14 કરોડ રૂપિયાનું વળતર મળી શકે છે. પાકિસ્તાનના અખબારી અહેવાલ મુજબ માર્યા ગયેલા લોકોમાં મસૂદ અઝહરની મોટી બહેન અને જીજાજી, ભત્રીજા-ભાભી, એક ભાણી અને ઘણા બાળકોનો સમાવેશ થાય છે. જો મસૂદ અઝહર આ બધાનો કાયદેસરનો વારસદાર હોય તો પાકિસ્તાન સરકાર તરફથી તેને મોટી રકમ મળવાની શક્યતા છે.

આ પણ વાંચો: ઓપરેશન સિંદૂરની સફળતા, આતંકી મસૂદ અઝહરના પરિવારના 14 લોકોના મોતનો દાવો

ભારતે માત્ર આતંકી ઠેકાણાને જ બનાવ્યા નિશાન

ઉલ્લેખનીય છે કે ભારતે 6 અને 7 મેની રાત્રે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના હેડ ક્વાર્ટર સહિત અનેક આતંકી ઠોકાણાંને નિશાન બનાવ્યા હતા. જેમાં ઉસ્માન-ઓ-અલી કેમ્પસ તરીકે ઓળખાતી જામિયા મસ્જિદ સુભાન અલ્લાહ સંપૂર્ણપણે તબાહ થઈ ગઈ હતી. જો કે ભારતીય અધિકારીઓનું કહેવું છે કે આ હુમલાઓમાં ચોક્કસ અને માત્ર આતંકી ઠોકાણાંને જ નિશાન બનાવવામાં આવ્યા હતા.

ક્ષતિગ્રસ્ત ઘરો અને મસ્જિદોનું કરશે પુનર્નિર્માણ

પાકિસ્તાનનાં મીડિયા અહેવાલો અનુસાર, શહેબાઝ સરકારે અલગ-અલગ કેટેગરીમાં વળતર નક્કી કર્યું છે: પાકિસ્તાન સરકાર અનુસાર ભારતીય હુમલાઓમાં ઘાયલ નાગરિકોને 10 થી 20 લાખ રૂપિયાની સહાય મળશે. ભારતીય હુમલામાં જીવ ગુમાવનારા સૈનિકોના પરિજનોને તેમની રેન્કના આધારે 1 કરોડથી 1.8 કરોડ પાકિસ્તાની રૂપિયા સુધીનું વળતર અને 1.9 કરોડથી 4.2 કરોડ સુધીની આવાસ સહાય પણ અપાશે. મૃત સૈનિકોના પરિવારોને સૈનિકની નિવૃત્તિની તારીખ સુધી ભથ્થા સાથે પૂરો પગાર મળતો રહેશે. પાકિસ્તાન સરકાર ભારતીય હુમલાઓમાં ક્ષતિગ્રસ્ત થયેલા ઘરો અને મસ્જિદોનું પુનર્નિર્માણ પણ કરશે, તેમજ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના તબાહ થયેલા મુખ્યાલયોને પણ ફરીથી બનાવવાનું વચન આપ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button