પાકિસ્તાન આતંકી હુમલો કરતું રહ્યું અને કોંગ્રેસ સરકાર લવલેટર મોકલતી રહી : પીએમ મોદી
દેશભરમાં લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. તેવા સમયે પીએમ મોદીએ ઝારખંડના પલામુમાં એક જનસભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે પાકિસ્તાન ભારતમાં આતંકવાદી હુમલાનું કાવતરું ઘડતું હતું અને કોંગ્રેસ સરકાર તેમને પ્રેમપત્રો મોકલતી હતી અને શાંતિની આશા રાખતી હતી. તેમણે જેટલા પ્રેમ પત્રો મોકલ્યા તેટલા જ વધુ આતંકવાદીઓ પાકિસ્તાનથી ભારતમાં આવ્યા.
મજબૂત ભારતને હવે માત્ર મજબૂત સરકાર જોઈએ : પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે તમારા એક વોટે મને એટલી તાકાત આપી કે મે આવતાની સાથે જ કહ્યું કે આ નવું ભારત છે. જે ઘરમાં ઘૂસીને મારે છે. સર્જિકલ અને બાલાકોટ સ્ટ્રાઈકના થપ્પડથી પાકિસ્તાન હચમચી ગયું હતું.તેમણે કહ્યું કે, એક સમય હતો જ્યારે કોઈપણ આતંકવાદી હુમલા બાદ કોંગ્રેસની નબળી સરકારની વિશ્વભરમાં નિંદા થતી હતી. જ્યારે હવે પાકિસ્તાન આખી દુનિયામાં ‘બચાવો, બચાવો’ના નારા લગાવી રહ્યું છે. પાકિસ્તાનમાં નેતાઓ પ્રાર્થના કરી રહ્યા છે કે કોંગ્રેસના શહેઝાદા પીએમ બને. પરંતુ મજબૂત ભારતને હવે માત્ર મજબૂત સરકાર જોઈએ છે.
મોદીના આંસુઓમાં રાહુલને ખુશી મળી રહી છે : પીએમ મોદી
આ દરમિયાન પીએમ મોદીએ પણ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે તેમને મોદીના આંસુમાં ખુશી મળે છે. તેમણે કહ્યું, હું ગરીબીનું જીવન જીવીને આગળ આવ્યો છું. તેથી છેલ્લા 10 વર્ષમાં ગરીબ કલ્યાણ માટેની દરેક યોજનાની પ્રેરણા મારા જીવનના અનુભવો છે. આજે જ્યારે હું લાભાર્થીઓને મળ્યો છું ત્યારે મારામાં આનંદના આંસુ છે. આ આંસુ જેમણે ગરીબી જોઈ છે, દુઃખમાં જીવન વિતાવ્યું છે તે જ સમજી શકે છે.ત્યારે કોંગ્રેસના શહેઝાદા મોદીના આંસુમાં ખુશી શોધી રહ્યા છે.