પાકિસ્તાને અમૃતસર નજીક મિસાઇલ હુમલો કર્યો હોવાની આશંકા, મિસાઇલનો કાટમાળ મળી આવ્યો

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં આતંકી કેમ્પોને તબાહ કરીને આપ્યો છે. જેની બાદ ગભરાયેલા પાકિસ્તાન નિયંત્રણ રેખા પર સતત ગોળીબાર કરીને ભારતના નાગરિકો પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેમાં મળતી માહિતી મુજબ પાકિસ્તાને મિસાઇલ હુમલો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ભારતીય સેનાની એર ડિફેન્સ સિસ્ટમના લીધે મિસાઇલ હવામાં જ તોડી પડાઈ હતી તેવો દાવો કરવામાં આવે છે. પાકિસ્તાને અમૃતસર નજીક મિસાઇલથી હુમલો કર્યો હોવાના અહેવાલ છે. જેમાં પંજાબના મજીઠાના જથુવાલ ગામ નજીક 2 ચીની મિસાઇલનો કાટમાળ મળી આવ્યો છે.
પાકિસ્તાન સતત નિયંત્રણ રેખા પર ગોળીબાર કરી રહ્યું છે
ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ મંગળવાર રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો. આ હુમલાથી ગભરાયેલું પાકિસ્તાન સતત નિયંત્રણ રેખા પર ગોળીબાર કરી રહ્યું છે. ત્યારે સરહદ પારથી થયેલા આ કાયરતાપૂર્ણ કૃત્યને ધ્યાનમાં રાખીને ભારતીય વાયુસેનાને હવે છૂટ આપવામાં આવી છે. વાયુસેનાને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો તેમને કંઈપણ શંકાસ્પદ દેખાય તો તેઓ સંપૂર્ણ તાકાતથી જવાબ આપી શકે છે.
અજિત ડોભાલ વડા પ્રધાન મોદીને મળ્યા
આ સ્થિતિ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને NSA અજિત ડોભાલ નજર રાખી રહ્યા છે. NSA અજિત ડોભાલ વડા પ્રધાન મોદીને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. જ્યારે રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક પણ ચાલી રહી છે. આ બેઠકમાં તમામ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ સામેલ છે.
ભારતીય સેનાનું ઓપરેશન સિંદૂર
ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કરી પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના મળીને કુલ 9 કેમ્પોને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે. જેમાં 100 લોકોના મોત થયા છે.
આ પણ વાંચો ઓપરેશન સિંદૂર બાદ વધુ કેન્દ્ર સરકાર સતર્ક, વાયુસેનાને આપવામાં આવી ખુલ્લી છૂટ