પાકિસ્તાનનું TRFને સમર્થન સામે આવ્યું: પહલગામ હુમલાની સંડોવણીના પુરાવા માંગ્યા
અમે TRFને ગેરકાયદેસર માનતા નથી: ઇશાક ડાર

ઇસ્લામાબાદ: પહલગામ હુમલા સાથે કથિત રીતે સંડોવાયેલા ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF)ને અમેરિકાએ આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. અમેરિકાના આ નિર્ણયને ભારતે આવકાર્યો છે. પરંતુ પાકિસ્તાનને આ વાતના મરચાં લાગ્યા છે. પાકિસ્તાને TRF દ્વારા હુમલો કરાયો હોવાના ભારત પાસે પુરાવાઓ માંગ્યા છે અને તેનું વૈશ્વિક સ્તરે સમર્થન કર્યું છે.
અમે TRF ને ગેરકાયદેસર માનતા નથી: ઇશાક ડાર
આંતરરાષ્ટ્રીય મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડારે પાકિસ્તાની સંસદમાં ભાષણ આપ્યું હતું. ઇશાક ડારે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, અમે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરતી સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના નિવેદનમાં TRFના ઉલ્લેખનો વિરોધ કર્યો હતો. મને દુનિયાભરમાંથી ફોન આવ્યા હતા, પરંતુ પાકિસ્તાને તેનો સ્વીકાર કર્યો ન હતો.”
આ પણ વાંચો: ભારતની મોટી સફળતા, અમેરિકાએ પહલગામ હુમલા બાદ ધ રેજિસ્ટેંસ ફ્રન્ટને આતંકી સંગઠન જાહેર કર્યું
ઇશાક ડારે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, “અમે TRF ને ગેરકાયદેસર માનતા નથી. કાશ્મીરના પહેલગામમાં TRF દ્વારા આતંકી હુમલો કરવામાં આવ્યો હતો, એના અમને પુરાવા બતાવો. એ હુમલા માટે TRF જવાબદાર હતું, એ સાબિત કરો.”
લશ્કર-એ-તૈયબા નિષ્ક્રિય થઈ ગયુ છે: પાકિસ્તાન
અમેરિકાએ પાકિસ્તાનને આતંકી સંગઠન જાહેર કર્યા બાદ પાકિસ્તાને પોતાની પ્રતિક્રિયા આપી હતી. પાકિસ્તાને જણાવ્યું હતું કે, “લશ્કર-એ-તૈયબા સંપૂર્ણ રીતે નાબૂદ કરાયેલું એક નિષ્ક્રિય અને પ્રતિબંધિત સંગઠન છે. તેના ટોચના નેતાઓની ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી છે. આવા સંજોગોમાં પહલગામ હુમલામાં લશ્કર-એ-તૈયબાની સીધી સંડોવણીના ભારતના આરોપો ‘જમીન વાસ્તવિકતાઓ’થી વિરુદ્ધના પૂરવાર થાય છે. પહલગામ હુમલાની તપાસ ચાલી રહી છે. જેથી ઉતાવળમાં કોઈ નિષ્કર્ષ પર પહોંચવું જોઈએ નહી”
આ પણ વાંચો: BRICS સમિટમાં પહલગામ હુમલાની કડક નિંદા; આતંકવાદને આશ્રય આપનારા દેશો સામે કાર્યવાહી થશે…
ઉલ્લેખનીય છે કે, TRF એ પાકિસ્તાની આતંકવાદી જૂથ છે. તે લશ્કર-એ-તૈયબાનો ભાગ છે. ભૂતકાળમાં જમ્મુ-કાશ્મીરમાં થયેલા અનેક આતંકી હુમલાઓ માટે તે જવાબદાર છે.