નવી દિલ્હી: પાકિસ્તાન સરકારે ગુરુવારે ગુજરાતના વિવિધ વિસ્તારોના 80 માછીમારોને મુક્ત કર્યા હતા, ગુજરાત સરકારની એક ટીમ માછીમારોને લેવા પંજાબ પહોંચી છે. પાકિસ્તાન સરકાર દ્વારા ગેરકાયદેસર વિદેશી ઈમિગ્રન્ટ્સ અને નાગરિકોને દેશમાંથી હાંકી કાઢવા માટે ચાલી રહેલા અભિયાનના ભાગરૂપે ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે.
કરાચીની જેલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કે ભારતીય માછીમારોને કડક સુરક્ષા વચ્ચે અલ્લામા ઈકબાલ એક્સપ્રેસ ટ્રેન દ્વારા મોકલવામાં આવ્યા છે અને તેઓ શુક્રવારે લાહોર પહોંચશે જ્યાંથી તેમને વાઘા બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપવામાં આવશે.
ગુજરાતના મત્સ્ય પાલન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે બપોરે અટારી-વાઘા બોર્ડર પર માછીમારોને રાજ્યની ટીમને સોંપવામાં આવશે. માછીમારો ગુજરાતના જુદા જુદા વિસ્તારોના છે. તેમને ટ્રેન મારફતે રાજ્યમાં લાવવામાં આવશે.
પાકિસ્તાનમાં કામ કરતી સામાજીક સંસ્થાએ જણાવ્યું હતું કે મોટાભાગના ભારતીય માછીમારો ગરીબ પૃષ્ઠભૂમિના છે અને તેઓ સ્વદેશ પરત ફરવા તત્પર છે. સંસ્થાએ ભારતીય માછીમારોને લાહોર પહોંચવાની વ્યવસ્થા કરી છે. તેમને ઘરે લઈ જવા માટે કેટલીક રોકડ અને અન્ય ભેટો આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ આ વર્ષાના મે અને જૂન મહોનામાં પાકિસ્તાન સરકારે લગભગ 400 ભારતીય માછીમારોને મુક્ત કર્યા હતા. પાકિસ્તાન અને ભારત નિયમિતપણે દરિયાઈ સીમાઓનું ઉલ્લંઘન કરવા બદલ એકબીજાના માછીમારોની ધરપકડ કરતા રહે છે.