
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને આતંકીઓના કેમ્પને તોડી પાડયા હતા. જેની બાદ પાકિસ્તાને ભારતના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા હતા. જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા. તેમજ તેની બાદ જવાબી કાર્યવાહીના પાકિસ્તાનના 11 એરબેઝ પર હુમલા કરી ભારે નુક્સાન પહોંચાડ્યુ હતું. ભારતની આ કાર્યવાહીથી ગભરાઇને પાકિસ્તાને યુદ્ધવિરામની અપીલ કરી હતી.
પાકિસ્તાનના વડા પ્રધાને પણ આ વાત સ્વીકારી
જ્યારે ભારત તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે મિસાઇલ હુમલામાં નૂરખાન એરબેઝને ભારે નુકસાન થયું હતું. તેમજ પાકિસ્તાની સૈન્યના અન્ય સ્થળોને પણ ભારે નુકસાન થયું છે. ત્યારે હવે પાકિસ્તાનના વડા પ્રધાને પણ આ વાત સ્વીકારી લીધી છે.
આર્મી ચીફ અસીમ મુનીરે તેમને ફોન કર્યો હતો
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ પાકિસ્તાની સેનાના ઉચ્ચ અધિકારીઓ અને સરકારના અન્ય લોકો વાતચીત કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે 9-10 મેની રાત્રે પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરે તેમને ફોન કર્યો હતો. આ ફોન કોલમાં મુનીરે જણાવ્યું કે ભારતે મિસાઇલ હુમલો કર્યો છે. નૂર ખાન એરબેઝ પર એક મિસાઇલ પડી છે. કેટલીક મિસાઇલો અન્ય વિસ્તારોમાં પડી છે.
પાકિસ્તાનના ઘણા ફાઇટર જેટને પણ નુકસાન
જ્યારે 9-10 મેની રાત્રે ભારતે મિસાઇલ હુમલો કરીને પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ સમયગાળા દરમિયાન પાકિસ્તાનને નૂરખાન એરબેઝ સહિત ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન સહન કરવું પડ્યું અને પાકિસ્તાન વાયુસેનાની ક્ષમતામાં ઘણો ઘટાડો થયો. પાકિસ્તાન પોતાના મોટાભાગના હથિયારો નૂરખાન એરબેઝમાં રાખે છે અને હુમલા પછી પાકિસ્તાની સેનાના ઘણા મહત્વપૂર્ણ ફાઇટર જેટ ઉડી શક્યા નહીં. આ કારણોસર પાકિસ્તાને યુદ્ધવિરામની અપીલ કરી હતી.
આ પણ વાંચો…પાકિસ્તાની સાંસદે શાહબાઝ શરીફને કાયર ગણાવ્યાં, કહ્યું – તેઓ મોદીનું નામ લેતા પણ…