સિંધુ જળ સંધિનો મુદ્દો OICમાં: પાકિસ્તાનના આરોપો અને ભારતનો સ્પષ્ટ સંદેશ…

જેદ્દાહ: પહલગામ હુમલા પછી પાકિસ્તાન પર કાર્યવાહી કરતા ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું, જ્યારે એના પૂર્વે સિંધૂ જળ સમજૂતી સ્થગિત કરી હતી. એના પછી પાકિસ્તાન વૈશ્વિકસ્તરે સમજૂતી ફરી શરુ કરવા માટે અનુરોધ કરી રહ્યું છે, જે અંગે આજે ઓઆઈસીમાં મુદ્દો ઊઠાવ્યો હતો. ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) મુસ્લિમ વિશ્વ માટે એક સામૂહિક અવાજ બની આર્થિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રોમાં તેના 57 સભ્ય દેશના હિતોનું રક્ષણ કરે છે. પાકિસ્તાન પણ તેનું સભ્ય છે. સિંધુ જળ સંધિના મુદ્દાને હવે પાકિસ્તાન OICમાં લઈ ગયું છે.
OICના માનવાધિકાર આયોગનું પચીસમું સત્ર
ઓઆઈસી દ્વારા સ્વતંત્ર કાયમી માનવ અધિકાર આયોગનું પણ ગઠન કરવામાં આવ્યું છે. સમયાંતરે તેના સત્ર યોજાતા રહે છે. તાજેતરમાં જેદ્દાહ ખાતે તેનું સત્ર યોજાયું હતું. 5 દિવસના આ સત્રમાં ‘પાણીનો અધિકાર’ વિષય પર પણ એક સત્ર યોજાયું હતું. જેમા પાકિસ્તાનના પ્રતિનિધિએ સિંધુ જળ સંધિનો મુદ્દો રજૂ કર્યો હતો.
પાકિસ્તાન જળસંકટનો સામનો કરે છે
આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ, સૈયદ ફવાદ શેર પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ છે. તેમણે OICના માનવાધિકાર આયોગના સત્રમાં સિંધુ જળ સંધિ અંગે ભારતના વલણ પર ચિંતા વ્યક્ત કરી હતી. ફવાદ શેરે સત્રમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, “પાકિસ્તાન પહેલાથી જ જળસંકટનો સામનો કરી રહ્યું છે. બીજી તરફ ભારત સિંધુ જળ સંધિના નિયમોમાં એકપક્ષીય રીતે ફેરફાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતનું આ વલણ પાકિસ્તાન માટે ગંભીર કટોકટી ઊભી કરી શકે છે.”
ભારતના નિર્ણય અંગે ચિંતા વ્યક્ત કરી
ફવાદ શેરે આગળ જણાવ્યું કે પાણીનો અધિકાર માત્ર કાયદાકીય રીતે જ નહીં, પરંતુ નૈતિક અને સામાજિક રીતે પણ મહત્વપૂર્ણ છે. સિંધુ જળ સંધિને લઈને ભારતનું કડક વલણ દક્ષિણ એશિયામાં પહેલાથી જ અસ્તિત્વમાં રહેલા આબોહવા પડકારોને વધુ વધારી શકે છે. ફવાદ શેરે વધુમાં જણાવ્યું કે વિશ્વના ઘણા દેશો અને સંગઠનોએ ભારતને સિંધુ જળ સંધિ ચાલુ રાખવાની અપીલ કરી છે. OICના વિદેશ મંત્રીઓએ પણ ભારતના નિર્ણય અંગે ચિંતા વ્યક્ત કરી છે. પાકિસ્તાન તેના પાણીના અધિકારોનું રક્ષણ કરવા માટે આંતરરાષ્ટ્રીય મંચો પર આ મુદ્દો ઉઠાવતું રહેશે.
ભારતે શરૂ કર્યા જળવિદ્યુત પ્રોજેક્ટ્સ
ઉલ્લેખનીય છે કે, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ મુલતવી રાખી છે અને પાકિસ્તાન તરફ વહેતી નદીઓ પર ચાર મોટા જળવિદ્યુત પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે, જે પૈકી ચિનાબ નદી પરની પરિયોજનાઓનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને ટેકો આપવાનું તથા આતંકવાદીઓને શરણ આપવાનું બંધ નહીં કરે, ત્યાં સુધી આ જળવિદ્યુત પ્રોજેક્ટ્સ અટકશે નહીં, એવું ભારતે સ્પષ્ટ કર્યું છે.