ઓપરેશન સિંદૂરના 7 મહિના બાદ પાકિસ્તાને કરી આ ચોંકાવનારી કબૂલાત

લાહોરઃ ઓપરેશન સિંદૂરના સાત મહિના બાદ પાકિસ્તાને ચોંકાવનારી કબૂલાત કરી છે. પાકિસ્તાનના નાયબ વડા પ્રધાને અને વિદેશ પ્રધાન ઈશાક ડારે સ્વીકાર કર્યો કે, ભારતીય હુમલામાં તેમના મહત્ત્વપૂર્ણ નૂર ખાન એરબેસને મોટા પાયે નુકસાન થયું હતું. તેમણે સ્વીકાર્યું કે, 10 મેના રોજ સવારે ભારતે રાવલપિંડી પાસે નૂર ખાન એરબેસ પર હુમલો કર્યો હતો જે પાકિસ્તાની વાયુસેનાનો મહત્વપૂર્ણ બેસ છે અને સેનાના હેડ કવાર્ટરથી નજીક છે.
આ ઉપરાંત તેમણે કહ્યું, હુમલામાં અનેક સૈનિકો ઘાયલ થયા હતા. પાકિસ્તાને દાવો કર્યો કે ભારતે 36 કલાકમાં ઓછામાં ઓછા 80 ડ્રોન મોકલ્યા હતા. જેમાં એકે નૂર ખાન બેસને નુકસાન પહોંચાડ્યું હતું.
ડારના જણાવ્યા પ્રમાણે, 9 મે ના રોજ વડા પ્રધાન શહબાજ શરીફે ઈમરજન્સી મીટિંગ બોલાવી હતી. હુમલાથી પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો હતો. તેમણે કહ્યું, નૂર ખાન પર હુમલો ભારતની ભૂલ હતી. તેનાથી સ્પષ્ટ છે કે આ કેટલો સંવેદનશીલ છે. હુમલો કેટલો પ્રભાવી રહ્યો. પાકિસ્તાને સ્વીકાર્યું કે, જ્યારે હુમલા બાદ સ્થિતિ કાબુ બહાર જઈ રહી હતી ત્યારે અમેરિકા સહિત આંતરરાષ્ટ્રીય દબાણથી સીઝફાયર થયું હતું.
ઓપરેશન સિંદૂરમાં ભારતે તેની સૈન્ય તાકાત બતાવી હતી. બ્રહ્મોસ મિસાઈલ અને ડ્રોનની સચોટતા વિશ્વેને ચોંકાવ્યું હતું. પાકિસ્તાન પહેલા ના પાડતું હતું પરંતુ હવે ખુદ સ્વીકાર કર્યો છે કે ભારતે મહત્ત્વૂપૂર્ણ ઠેકાણાને નુકસાન પહોંચાડ્યું છે. નિષ્ણાતો કહે છે કે, યુદ્ધ કર્યા વગર આતંકવાદને જડબાતોડ જવાબ આપવાનો ભારતની નવી વ્યૂહરચના છે.
શું હતું ઓપરેશન સિંદૂર
22 એપ્રિલ 2024ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો હતો. પાકિસ્તાન સમર્થિત આતંકીઓએ 26 નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરી હતી. ભારતે આ હુમલાનો જવાબ આપવા 7 મે, 2025ના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ ઓપરેશનમાં ભારતીય સેનાએ પીઓકેમાં 9 આતંકી ઠેકાણાને નિશાન બનાવ્યા હતા.
આપણ વાંચો: મણિપુરમાં સરકારની જાણ બહાર જ બની ગયો છ જિલ્લાઓને જોડતો ‘રિંગ રોડ’!



