નેશનલ

પાકિસ્તાન આતંકીઓનું કબ્રસ્તાન? ભારતના મોસ્ટ વોન્ટેડ એક પછી એક આતંકી ઠાર!

ઇસ્લામાબાદ: પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનના ખોળે ઉછરતા આતંકવાદની સામે ભારતે કડક નીતી અપનાવી છે. પાકિસ્તાન સામે અનેક મોટા નિર્ણયો લઈને આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ પાકિસ્તાનને ઘેરવાના પ્રયત્નો કર્યા છે. આ દરમિયાન છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનમાં ભારતના અનેક મોસ્ટ વોન્ટેડ આતંકીઓને નીશાન બનાવવામાં આવી રહ્યા છે.

જેમાં પઠાણકોટ આતંકી હુમલામાં સામેલ આતંકીઓથી લઈને ખીણમાં દહેશત ફેલાવનારા અનેક ટોચના આતંકી કમાન્ડરોને ઠાર કરવામાં આવ્યા છે. આ આતંકીઓને અજ્ઞાત હુમલાખોરોએ ઠાર કર્યા છે. રવિવારે લશ્કર-એ-તૈયબાના કમાન્ડર અબુ સૈફુલ્લાહ ખાલિદની પાકિસ્તાનના સિંધમાં અજ્ઞાત હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. એક રહસ્યમય કિલર પાકિસ્તાનમાં એક પછી એક આતંકીઓને ખતમ કરી રહ્યો છે અને તેનો ખુલાસો પણ થઈ શક્યો નથી. એવી આશંકા છે કે લશ્કર અને જૈશ વચ્ચેના મતભેદો અને તેનું જ પરિણામ છે કે બંને જૂથોના આતંકીઓની હત્યા થઈ રહી છે.

આ પણ વાંચો: લશ્કર-એ-તૈયબાનો ખુંખાર આતંકી સૈફુલ્લાહ પાકિસ્તાનના સિંધમાં ઠાર, ભારતમાં હતો મોસ્ટ વોન્ટેડ

અબુ કતાલની હત્યા

તાજેતરમાં સૈફુલ્લાહની હત્યાનો મામલો આ ઘટનાક્રમ સાથે જોડાયેલો છે, સૈફુલ્લાહની હત્યા કોણે કરી તે હજુ જાણી શકાયું નથી. તેની હત્યા પહેલાં લશ્કર ચીફ હાફિઝ સઈદનો ખાસ અને લશ્કરનો આતંકી અબુ કતાલને પાકિસ્તાનમાં આ વર્ષે 15 માર્ચે ઠાર કરવામાં આવ્યો હતો. તેની પણ અજ્ઞાત હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી.

હિઝબુલ મુજાહિદ્દીનના ટોચના કમાન્ડરની હત્યા

સૈફુલ્લાહની હત્યા પહેલા હિઝબુલ મુજાહિદ્દીનના ટોચના કમાન્ડર બશીર અહેમદ પીર, જેને ઇમ્તિયાઝ આલમના નામે પણ ઓળખવામાં આવતો હતો, તેની પણ 20 ફેબ્રુઆરી 2023ના રોજ રાવલપિંડીમાં હત્યા કરવામાં આવી હતી. કાશ્મીરમાં આતંકી ઘટનાઓ પાછળ પીરને જવાબદાર માનવામાં આવતો હતો. તે 15 વર્ષોથી પાકિસ્તાનમાં રહેતો હતો.

જૈશ-એ-મોહમ્મદના આતંકીની હત્યા

જૈશ-એ-મોહમ્મદના આતંકી શાહિદ લતીફની પાકિસ્તાનના સિયાલકોટમાં 11 ઓક્ટોબર 2023ના રોજ અજ્ઞાત હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. લતીફ વર્ષ 2016માં થયેલા પઠાણકોટ આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો.

અબુ કાસિમ કાશ્મીરીની હત્યા

આ પહેલાં જમ્મુના રહેવાસી અબુ કાસિમ કાશ્મીરીની પણ 8 સપ્ટેમ્બર 2023ના રોજ પાકિસ્તાનમાં જ અજ્ઞાત હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. અબુ કાસિમ જમ્મુના રાજૌરીમાં થયેલા હુમલામાં વોન્ટેડ હતો.

આતંકી રિયાઝ અહેમદની હત્યા

આ ઉપરાંત લશ્કર-એ-તૈયબાના ટોચના આતંકી રિયાઝ અહેમદને 8 સપ્ટેમ્બર 2023માં પાકિસ્તાનમાં અજ્ઞાત કિલરે ગોળી મારી દીધી હતી. પાકિસ્તાનમાં ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીઓની આ રીતે એક પછી એક હત્યાઓ થવી અને હુમલાખોરોની ઓળખ ન થવી એ અનેક સવાલો ઊભા કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button