બે રાષ્ટ્રો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે વડા પ્રધાન મોદીને એસસીઓ સમિટમાં ભાગ લેવા માટે પાકિસ્તાનનું આમંત્રણ
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગામી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) સમિટ માટે પાકિસ્તાન તરફથી આમંત્રણ મળ્યું છે જે આ વર્ષે ઓક્ટોબરમાં યોજાનાર છે, એમ એક અંગ્રેજી અખબારના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન 15-16 ઓક્ટોબરે કાઉન્સિલ ઑફ હેડ્સ ઑફ ગવર્નમેન્ટ (સીએચજી)ની બેઠકનું આયોજન કરશે કારણ કે તે હાલમાં કાઉન્સિલની રોટેશનમાં અધ્યક્ષતા ધરાવે છે.
મોદી ઈસ્લામાબાદની મુલાકાત લે તે અશક્ય જણાઈ રહ્યું છે, જો કે આ પહેલાં જે રીતે થયું છે તે રીતે તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે કોઈ પ્રધાનની નિમણૂક કરશે કે કેમ તે હજી અનિશ્ર્ચિત છે. વડા પ્રધાન મોદી સામાન્ય રીતે રાજ્યોના વડાઓની સમિટમાં હાજરી આપતા હોવા છતાં, જુલાઈની શરૂઆતમાં સંસદીય સત્ર સાથેના શેડ્યૂલના સંઘર્ષને કારણે કઝાકિસ્તાનમાં તાજેતરની બેઠકમાં તેઓ ગયા નહોતા.
આ પણ વાંચો: પાકિસ્તાન-પંજાબ સરહદની સુરક્ષા સઘન કરવા BSF એ વધારાની બટાલિયનની માંગ કરી…
સીએચજી મીટિંગ્સમાં ભારતના ટ્રેક રેકોર્ડ મુજબ નવી દિલ્હીએ સીએચજી મીટિંગ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે કોઈ એક પ્રધાનને કાયમ મોકલ્યા છે, જેના ભાગરૂપે વિદેશ પ્રધાન એસ. જયશંકર બિશ્કેકમાં ગયા વર્ષની બેઠકમાં હાજર રહ્યા હતા.
શું મોદી પાકિસ્તાનમાં એસસીઓની સમિટમાં ભાગ લેશે?
જે નેતાઓ રૂબરૂ હાજરી આપી શકતા નથી તેમને વર્ચ્યુઅલ રીતે ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે કે નહીં તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે રશિયા અને ચીનની આગેવાની હેઠળના એસસીઓના નવી દિલ્હી અને ઇસ્લામાબાદ સંપૂર્ણ સભ્ય છે.
ભારત પ્રાદેશિક સુરક્ષા અને મધ્ય એશિયા સાથે સહયોગને માટે આ સ્થાનને જરૂરી માને છે. જો કે, ભારત એસસીઓમાં ચીનના પ્રભાવ અને સંગઠનને પશ્ર્ચિમ વિરોધી પ્લેટફોર્મ તરીકે સ્થાન આપવાના પ્રયાસો અંગે અત્યંત સાવચેત છે.
આ પણ વાંચો: યુક્રેનથી પરત ફરતી વખતે 46 મિનિટ સુધી પાકિસ્તાનમાં રહ્યું PM Modiનું પ્લેન, ચર્ચાઓ શરૂ…
ભારતે એસસીઓના સંયુક્ત નિવેદનોમાં ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (બીઆરઆઈ) ને સમર્થન આપવાનું સતત ટાળ્યું છે અને વડા પ્રધાન મોદી દ્વારા આયોજિત ગયા વર્ષની વર્ચ્યુઅલ સમિટમાં સૂચિત લાંબા ગાળાની આર્થિક વ્યૂહરચનાના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો, આ પ્રસ્તાવ ચીનના હિતો પ્રત્યે પક્ષપાતી હોવાનું જણાઈ આવતું હતું.
ભારત-પાકિસ્તાન તણાવ
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ હોવા છતાં, એસસીઓ એ એવા કેટલાક મંચોમાંથી એક છે જ્યાં ભારત અને પાકિસ્તાને 2015 થી તણાવપૂર્ણ સંબંધો વચ્ચે પણ ખાસ કરીને જ્યારે અનુગામી આતંકવાદી હુમલાઓ દ્વારા સંવાદ પુન:પ્રારંભ કરવાના પ્રયાસોમાં વિક્ષેપ પડ્યો હતો ત્યારે પણ સહયોગ જાળવી રાખવામાં સફળ રહ્યા છે.
ભારતીય પ્રતિનિધિમંડળોએ પાકિસ્તાનમાં યોજાયેલી એસસીઓ કવાયતમાં ભાગ પણ લીધો હતો અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ગયા વર્ષે ગોવામાં એસસીઓની વિદેશ પ્રધાનોની બેઠક માટે ભારતની મુલાકાત લીધી હતી.