ભારતના જવાબી હુમલાના ડરથી પાકિસ્તાનમાં ફફડાટ, રાજસ્થાન બોર્ડરે સૈન્ય બળ વધાર્યું

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ત્યારે ભારતના સંભવિત હુમલાના ડરથી પાકિસ્તાને સરહદ નજીક પોતાના સૈન્ય દળો વધારી દીધા છે. જેમાં રાજસ્થાનને અડીને આવેલી ભારત-પાકિસ્તાન સરહદ પર પાકિસ્તાને સૈન્ય દળ વધાર્યું છે. પાકિસ્તાની સેનાએ બીએસએફની ગતિવિધિઓ પર નજર રાખવા માટે સરહદ પર નવા કેમેરા લગાવ્યા છે. પાકિસ્તાને સર્વેલન્સ પણ વધારી દીધું છે.
આ અંગે મળતી માહિતી અનુસાર સરહદ પર પાકિસ્તાની સેનાની ગતિવિધિ વધી ગઈ છે. રાજસ્થાનને અડીને આવેલી પાકિસ્તાન સરહદ નજીક ટેન્ક અને તોપો જોવા મળી રહી છે. પાકિસ્તાને તેની નૌકાદળ, સેના અને વાયુસેનાને એલર્ટ પર મૂકી છે. પાકિસ્તાને પોતાના ફાઇટર પ્લેન સક્રિય કર્યા છે.
સિંધમાં મોટી સંખ્યામાં સૈન્યને છુપાવી રાખવામાં આવ્યું
પાકિસ્તાન હુમલાના ભયથી ચિંતિત છે. તેણે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. સિંધમાં મોટી સંખ્યામાં સૈન્યને છુપાવી રાખવામાં આવ્યું છે. બીજી તરફ બહાવલપુરમાં આતંકવાદી સંગઠન જૈશ-એ -મોહમ્મદના મુખ્યાલયમાં પણ ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ભારત તરફથી હુમલાના ભયને કારણે જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલયની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
પાકિસ્તાની નાગરિકોને દેશમાંથી બહાર કાઢવાની ઝુંબેશ તેજ
આ ઉપરાંત પાકિસ્તાની નાગરિકોને દેશમાંથી બહાર કાઢવાની ઝુંબેશ પણ તેજ થઈ ગઈ છે. વાઘા-અટારી બોર્ડર પર હાલ વાહનોની કતાર લાગેલી છે. આજે અટારી-વાઘા બોર્ડર પર ભારત અને પાકિસ્તાન ઇમિગ્રેશન તરફથી મંજૂરી મળ્યા બાદ 191 પાકિસ્તાનીઓ ભારતમાંથી પાકિસ્તાન પરત ફર્યા છે જ્યારે 287 ભારતીયો પાકિસ્તાનથી ભારત પરત ફર્યા છે. ભારત સરકારે પાકિસ્તાનીઓને 27 એપ્રિલ સુધી પોતાના દેશમાં પાછા ફરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. જેમની પાસે મેડિકલ વિઝા છે તેમણે પણ 29 એપ્રિલ સુધીમાં પાછા ફરવાનું રહેશે.
પાકિસ્તાનીઓને આવતીકાલ સુધીમાં ભારત છોડવું પડશે
પાકિસ્તાનથી આવતા હિન્દુઓ સિવાય તમામ પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવામાં આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને ફોન કરીને પાકિસ્તાનીઓને નિર્ધારિત સમયમાં પાછા મોકલવા સૂચના આપી છે. ત્યારબાદ રાજ્ય સરકારોએ કાર્યવાહી વધુ તીવ્ર બનાવી દીધી છે. તમામ પાકિસ્તાનીઓને આવતીકાલ સુધીમાં ભારત છોડવું પડશે.
આ પણ વાંચો…દેશમાં ફરી પહેલગામ જેવો થઈ શકે છે હુમલો, ગુપ્તચર એજન્સીનો રિપોર્ટ