પાકિસ્તાનનો ગોળીબારઃ સરહદી વિસ્તારોના રહેવાસીઓએ લીધું આનું શરણું
જમ્મુ-કાશ્મીરના અરણિયા સેક્ટરમાં પાકિસ્તાને ગુરુવારે સંઘર્ષવિરામ ઉલ્લંઘન કર્યું હતું અને વહેલી સવારે 3 વાગ્યા સુધી ગોળીબાર ચાલુ રહ્યો. સરહદી વિસ્તાર બુલ્લેચકમાં આતંકવાદી હુમલાઓને પગલે સ્થાનિકો ઘર છોડવા મજબૂર થઇ ગયા હતા. ગામના એક સ્થાનિકે સમાચાર એજન્સી ANIને તેમના સંઘર્ષ વિશે માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે “સતત ગોળીબાર થયો, એ પછી એક મોર્ટાર શેલ અમારા ઘર પર પડ્યો. રસોડું સહિત આખા ઘરને નુકસાન થયું છે. બારીઓ તૂટી ગઇ છે. પરંતુ ઇશ્વરકૃપાથી અમે લોકો સલામત છીએ.”
ગામના સરપંચ દેવરાજ ચૌધરીએ ANI ને જણાવ્યું હતું કે એકતા અને તેમના પરિવારે ગોળીબાર દરમિયાન ઘરમાં જ રહ્યા અને સતત ભગવાનને પ્રાર્થના કરી કે તેમને ઇજા ન પહોંચે. તેમની સાથે સંકળાયેલા અન્ય લોકોએ જણાવ્યું હતું કે જ્યારે પણ તેમના પર હુમલો થાય ત્યારે તેઓ બંકરોમાં શરણ લે છે. ભારતીય સેનાના જવાનોએ ત્યાં બંકરો ઉભા કર્યા છે. જેમાં તેઓ ઘણા દિવસો સુધી આશરો મેળવતા હોય છે.
“આ બંકરો ઘણી વિશાળ જગ્યા ધરાવે છે. જ્યારે પણ અમારા પર ગોળીબાર થાય ત્યારે અમે અહીં છુપાઇ જઇએ છીએ. આ બંકરો અમને રક્ષણ આપે છે.” તેમ એક સ્થાનિકે જણાવ્યું હતું.