પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે બોર્ડર પર તણાવઃ ૮ અફઘાન-તાલિબાન સૈનિકનાં મોત…
ઇસ્લામાબાદ/પેશાવરઃ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની નજીક સરહદી વિસ્તારમાં પાકિસ્તાની સુરક્ષા દળો સાથેની ભીષણ અથડામણમાં બે મુખ્ય કમાન્ડર સહિત ઓછામાં ઓછા આઠ અફઘાન તાલિબાન સૈનિકોના મોત થયા હતા. આ અથડામણમાં ૧૬ અફધાન તાલિબાન સૈનિકો ઘાયલ પણ થયા હતા.
સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે અફઘાન પક્ષે શનિવારે સવારે પાક-અફઘાન સરહદ પર પાલોસિન વિસ્તારમાં ભારે હથિયારો વડે પાકિસ્તાની ચોકી પર હુમલો કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે અમારી પાસે બીજી બાજુ ભારે નુકસાનના અહેવાલો છે.
અત્યાર સુધીમાં ૮ અફઘાન તાલિબાનના મોત થયા છે અને પાકિસ્તાની સેનાના જવાબી ગોળીબારમાં ૧૬ ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે બે મુખ્ય કમાન્ડરો પણ માર્યા ગયા છે. પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ(આઇએસપીઆર) તરફથી આ ઘટના અંગે કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
આ પહેલીવાર નથી જ્યારે અફઘાન સૈનિકોએ સરહદ પર તૈનાત પાકિસ્તાની સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હોય. અગાઉ પણ ઇસ્લામાબાદે આવી ઘટનાઓ પર કાબુલ સાથે તેની ચિંતાઓ વિશે વાત કરી છે.
સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાનની અંદર આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા ઉપરાંત અફઘાન તાલિબાન હવે ખુલ્લેઆમ આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા દળો પર હુમલા કરી રહ્યું છે. તણાવપૂર્ણ સુરક્ષા સ્થિતિને કારણે સપ્તાહના અંતે બંને દેશો વચ્ચેનો વેપાર સ્થગિત રહ્યો હતો. રવિવારે પણ સરહદ પર ગોળીબારના અહેવાલો મળ્યા હતા, પરંતુ કોઇ જાનહાનિના સમાચાર નથી.