પાકિસ્તાન સામે બલૂચ આર્મીમાં મહિલાઓની વધી ભાગીદારી: જાણો કેમ બલૂચ મહિલાઓ બની રહી છે આક્રમક…

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં છેલ્લા કેટલાક સમયથી સુરક્ષા સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે. બલૂચ વિદ્રોહીઓએ તાજેતરમાં 12થી વધુ સ્થળોએ સુરક્ષા દળો અને સરકારી સંસ્થાઓ પર હુમલા કરીને પાકિસ્તાની સૈન્યને હચમચાવી દીધું છે. આ હુમલાઓએ સાબિત કરી દીધું છે કે દાયકાઓથી ચાલતું આ આંદોલન હવે માત્ર જનજાતીય સંઘર્ષ પૂરતું રહ્યું નથી, પરંતુ એક વ્યાપક સામાજિક આક્રોશમાં પરિવર્તિત થઈ ગયું છે, જેનો સામનો કરવામાં શાહબાઝ શરીફ સરકાર નિષ્ફળ સાબિત થઈ રહી છે. બલૂચ આર્મીમાં ખભાથી ખભા મિલાવીને મહિલાઓ પણ આગળ આવી રહી છે, જેનાથી શરીફ સરકારની ઊંઘ હરામ થઈ છે.
આ આંદોલનમાં સૌથી મોટો અને આશ્ચર્યજનક ફેરફાર મહિલાઓની વધતી ભાગીદારી છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ તાજેતરમાં બે મહિલા હુમલાખોરોની તસવીરો જારી કરી છે, જેમાં 24 વર્ષીય આસિફા મેંગલનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે પુરુષોનું પ્રભુત્વ ધરાવતા આતંકવાદ કે વિદ્રોહમાં હવે મહિલાઓની ભાગીદારી વધી રહી છે. પાકિસ્તાની રક્ષા મંત્રી ખ્વાઝા આસિફે પણ સ્વીકાર્યું છે કે આતંકવાદી પ્રવૃત્તિઓમાં મહિલાઓની ભૂમિકા વધી રહી છે, જે આંતરિક સુરક્ષા માટે ગંભીર ચેતવણી છે.
આ પણ વાંચો…બલૂચિસ્તાન રક્તરંજિત: પાકિસ્તાની સેનાની કાર્યવાહીમાં 200 લોકોએ ગુમાવ્યો જીવ
રાજકીય વિશ્લેષકોના મતે બલૂચિસ્તાનમાં લોકોના ગુમ થવાના વધી રહેલા ક્રિસ્સાઓ આ આક્રોશનું મુખ્ય કારણ છે. વર્ષ 2000 પછી 5000થી વધુ પુરુષો રહસ્યમય રીતે ગુમ થયા હતા, જેને પગલે તેમના પરિવારની મહિલાઓ રસ્તા પર ઉતરી છે. નિષ્ણાતો માને છે કે જ્યારે કોઈ સમાજની મહિલાઓ આત્મઘાતી હુમલા કરવા પ્રેરાય છે ત્યારે સમજવું જોઈએ કે તે સમાજમાં અન્યાય અને નિરાશા ખૂબ જ ઉંડી ઉતરી ગઈ છે. હવે આ આંદોલન શિક્ષિત મધ્યમ વર્ગના હાથમાં જઈ રહ્યું છે.
પાકિસ્તાન માટે સૌથી મોટો પડકાર
આંકડાઓ મુજબ 2011થી અત્યાર સુધીમાં બલૂચ વિદ્રોહમાં 350થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા, પરંતુ 2024 અને 2025માં આ હિંસા વધી છે, જેને કારણે સુરક્ષા દળો પર દબાણ વધી ગયું છે. ચીની નાગરિકો પરના હુમલાઓએ પાકિસ્તાનના આર્થિક હિતોને પણ નુકસાન પહોંચાડ્યું છે. પાકિસ્તાન સરકાર આને મહિલાઓનું શોષણ ગણાવી રહી છે, જ્યારે બલૂચ સંગઠનો તેને આઝાદીની લડત કહી રહ્યા છે. જો પાકિસ્તાન આ મુદ્દે રાજકીય સંવાદ સાધવામાં નિષ્ફળ રહેશે, તો આગામી સમયમાં આ વિદ્રોહ વધુ લોહિયાળ બની શકે છે.



