
શ્રીનગરઃ પહલગામ હુમલા બાદ ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન રઘવાયું થયું છે. પાકિસ્તાન એલઓસી પર સતત ફાયરિંગ કરી રહ્યું છે. સતત નવમા દિવસે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. આ વખતે પણ ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરના કુપવાડા, ઉરી અને અખનૂર વિસ્તારમાં કોઈપણ જાતની ઉશ્કેરણી વગર ફાયરિંગ કર્યું હતું. ભારતીય સેનાએ તેનો યોગ્ય જવાબ આપ્યો હતો.
પીએમ મોદી શુક્રવારે આંધ્રપ્રદેશના અમરાવતીમાં હતા. જ્યાં તેમણે એક કાર્યક્રમમાં પાકિસ્તાનના પરોક્ષ રીતે સંદેશ આપતા કહ્યું કે, આજે ભારતની તાકાત માત્ર હથિયાર જ નહીં પરંતુ આપણી એકતા પણ છે. જમ્મુ કાશ્મીરમાં પહલગામ હુમલામાં 26 પ્રવાસીનાં મોત થયા હતા. જે બાદ સુરક્ષાદળ આતંકવાદી સામે મોટી કાર્યવાહી કરવામાં લાગ્યા છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં આતંકી સંગઠન લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદના આતંકી સામેલ છે. આતંકીઓના લિસ્ટમાં લોન્ચિંગ કમાંડરથી લઈ કાશ્મીરમાં આતંક ફેલાવતા આતંકીઓના નામ પણ છે.
ક્યારે ક્યારે પાકિસ્તાને એલઓસી પર કર્યું ફાયરિંગ?
- 1 અને 2 મેની રાત્રે પણ પાકિસ્તાને કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો હતો, જેનો ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો હતો.
- 30 એપ્રિલ અને 1 મે, 2025 ની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ કુપવાડા, ઉરી અને અખનૂરમાં એલઓસી ગોળીબાર કર્યો હતો.
- 29-30 એપ્રિલની રાત્રે પાકિસ્તાને નૌશેરા, સુંદરબની અને અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. સેનાએ એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા યુદ્ધવિરામ ઉલ્લંઘન હવે ફક્ત નિયંત્રણ રેખા (LoC) સુધી મર્યાદિત નથી, પરંતુ તે આંતરરાષ્ટ્રીય સરહદ સુધી પહોંચી ગયા છે.
- પાકિસ્તાની સેનાએ 28-29 એપ્રિલની રાત્રે કુપવાડા અને બારામુલ્લા જિલ્લાઓ તેમજ અખનૂર સેક્ટરમાં એલઓસી પર કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો હતો.
- 27-28 એપ્રિલની રાત્રે કુપવાડા અને પૂંછ જિલ્લામાં વિરુદ્ધ વિસ્તારોમાંથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર થયો હતો.
- 26-27 એપ્રિલની રાત્રે, પાકિસ્તાની સેનાએ તુટમારી ગલી અને રામપુર સેક્ટર નજીક સરહદ પારથી ગોળીબાર કર્યો હતો.
- 25-26 એપ્રિલની રાત્રે અને 24 એપ્રિલની રાત્રે, પાકિસ્તાની સેના દ્વારા એલઓસી પર કેટલીક જગ્યાએ ગોળીબાર કરવામાં આવ્યો હતો.