નેશનલ

પાકિસ્તાની સેનાએ આ વર્ષે પહેલીવાર LoC પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું; ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો

નવી દિલ્હી: પાકિસ્તાની સેનાએ ગઈ કાલે બુધવારે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં લાઈન ઓફ કંટ્રોલ (LoC) પર ફરી નાપાક હરકત કરવાની કોશિશ કરી હતી. પાકિસ્તાની સૈનિકોએ ભારતીય ચોકીઓ પર કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કરીને સીઝફાયરનો ભંગ (Ceasefire violation by Pakistan Army) કર્યો હતો, જેનો ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો હતો. આ વર્ષે LoC પર થયેલો આ પહેલો યુદ્ધવિરામ ભંગ હતો. ભારતીય સેનાના અધિકારીએ જણાવ્યા મુજબ દુશ્મન સેનામાં ભારે જાનહાનિ થઈ છે. જો કે ભારતીય સેનાએ આપેલા વળતા જવાબમાં પાકિસ્તાન બાજુએ કેટલું નુકસાન થયું છે તે અંગે પુષ્ટિ થઇ શકી નથી.

પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા!
અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ LoC પર તારકુંડી વિસ્તારમાં એક ફોરવર્ડ પોસ્ટ પર કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો હતો, જેનો ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો હતો જેના પરિણામે દુશ્મન સેનામાં ભારે જાનહાનિ થઈ હતી.

અહેવાલ મુજબ પાકિસ્તાની સેનાના એક અધિકારીએ મૃતક સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતો એક તારીખ વિનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેના આધારે અટકળો લગાવવામાં આવી રહી છે કે ભરતીય સેનાના ગોળીબારમાં પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે.

Also read: ભારતીય સેના અમેરિકા અને મ્યાનમારની સેના સાથે મેઘાલયમાં સૈન્ય અભ્યાસ કરશે

ભારતીય સૌનિક ઘાયલ:
દરમિયાન, અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય સેનાના એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) ને એ સેક્ટરમાં લેન્ડમાઈન બ્લાસ્ટમાં સામાન્ય ઈજાઓ થઈ હતી.

સરહદ પારથી થતી પ્રવૃત્તિઓમાં વધારો:
અધિકારીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા અઠવાડિયામાં સરહદ પારથી થતી પ્રવૃત્તિઓમાં વધારો થતાં LoC પર પરિસ્થિતિ તંગ છે. આ વર્ષે આ પહેલો યુદ્ધવિરામ ભંગ હતો, જો કે સરહદ પારથી પાંચ દિવસમાં કાશ્મીરમાં થયેલી આ ચોથી ઘટના છે.

નોંધનીય છે કે જમ્મુ જિલ્લાના અખનૂર સેક્ટરમાં LoC નજીક શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) વિસ્ફોટમાં એક કેપ્ટન સહિત બે ભારતીય સેનાના જવાનોના શહીદ થયા હતાં, તેના એક દિવસ બાદ પાકિસ્તાન દ્વારા આ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાને 25 ફેબ્રુઆરી, 2021 ના રોજ નવા યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા બાદથી LoC પર યુદ્ધવિરામ ઉલ્લંઘન ઘટના ખુબ ઓછી બની રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button