ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા આતંકવાદીઓના અંતિમસંસ્કારમાં હાજરી આપવાનો પાક. સેનાનો આદેશ

લાહોર: પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીરે બહાવલપુરના કોર્પ્સ કમાન્ડર અને સૈનિકોને ૭ મેના રોજ જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય પર ભારતીય મિસાઇલ હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા સીધા આદેશ આપ્યા હતા, એમ આતંકવાદી જૂથના એક ટોચના કમાન્ડરે જણાવ્યું છે. આજે વાયરલ થયેલા એક વીડિયોમાં જેઇએમ કમાન્ડર ઇલ્યાસ કાશ્મીરીએ એમ પણ કહ્યું હતું કે તેમના સંગઠનના ૨૫ વર્ષના સંઘર્ષ પછી પાકિસ્તાની સેના અને જેહાદીઓ એક થઈ ગયા છે.
“૨૫ વર્ષના સંઘર્ષ પછી અમે દેશ, પાકિસ્તાની સેના, વાયુસેના અને નૌકાદળને જેહાદી વિચારધારા પર લાવ્યા છીએ. (૭ મેના ભારતીય હુમલામાં) જે માર્યા ગયા હતા તેઓ જેઇએમના હતા, અને પાકિસ્તાની સેના અને વાયુસેનાએ તેમનો બદલો લીધો હતો. મને કહો, શું તે સાચું નથી?” એમ તેણે કહ્યું.
કાશ્મીરીએ વધુમાં ખુલાસો કર્યો છે કે લાહોરથી લગભગ ૪૦૦ કિમી દૂર બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય પર થયેલા હુમલા પછી, આર્મી ચીફ મુનીરે જીએચક્યુ રાવલપિંડીથી કોર્પ્સ કમાન્ડર (બહાવલપુર) અને સૈનિકોને સીધા આદેશ આપ્યા હતા કે તેઓ ભારતીય હુમલામાં માર્યા ગયેલા લોકોના અંતિમ સંસ્કારમાં હાજરી આપે અને તેમને શ્રદ્ધાંજલિ આપે.
આ પણ વાંચો: ભારતીય સેનાએ કાશ્મીરમાં પાકિસ્તાની લશ્કરના ટોચના કમાન્ડર સહિત 2 આતંકવાદીને ઠાર કર્યા
ઓપરેશન સંદૂરના ભાગ રૂપે ૭ મેના રોજ બહાવલપુરમાં સંગઠનના મુખ્યાલય પર થયેલા હુમલામાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના પરિવારના ૧૦ સભ્ય અને ચાર નજીકના સાથી માર્યા ગયા હતા. પાકિસ્તાની સેનાના જનરલો, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને ટોચના અમલદારો ભારતીય હુમલામાં માર્યા ગયેલા લોકોના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા.
મંગળવારે એક યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલી અગાઉની વાયરલ ક્લિપમાં, જૈશ-એ-મોહમ્મદના કમાન્ડરે સ્વીકાર્યું હતું કે ભારતીય મિસાઇલ હુમલામાં અઝહરનો પરિવાર માર્યો ગયો હતો. ૬ સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મિશન મુસ્તફા કોન્ફરન્સમાં કાશ્મીરી બોલતો હોવાનું કહેવાય છે.
ઘણા બંદૂકધારી માણસો વચ્ચે ઉભા રહીને તેણે કહ્યું કે : “આ દેશની વૈચારિક અને ભૌગોલિક સીમાઓનું રક્ષણ કરવા માટે, અમે દિલ્હી, કાબુલ અને કંધહારમાં જેહાદ ચલાવી (જેહાદ ચલાવી). અને વધું બલિદાન આપ્યા પછી, ૭ મેના રોજ, બહાવલપુરમાં મૌલાના મસૂદ અઝહરના પરિવારના સભ્યોને (ભારતીય હુમલામાં) મારી નાખવામાં આવ્યા.”
આ પણ વાંચો: પાકિસ્તાનની નફ્ફટાઈ, જમ્મુ-કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકવાદીને આપી શ્રદ્ધાંજલિ…
પહલગામ હત્યાકાંડનો શક્તિશાળી બદલો લેવા માટે, ભારતીય સશસ્ત્ર દળોએ ૭ મેના રોજ ઓપરેશન સિંદૂરના ભાગ રૂપે જૈશ આતંકવાદી જૂથના ગઢ બહાવલપુર સહિત આતંકવાદી સ્થળો પર મિસાઇલ હુમલા કર્યા હતા.
તે સમયે અઝહરને લગતા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે બહાવલપુરમાં જામિયા મસ્જિદ સુભાન અલ્લાહ પર ભારતના હુમલામાં તેના પરિવારના ૧૦ સભ્ય અને ચાર નજીકના સાથી માર્યા ગયા હતા. માર્યા ગયેલાઓમાં અઝહરની મોટી બહેન અને પતિ, એક ભત્રીજો અને તેની પત્ની, બીજી ભત્રીજી અને તેના પરિવારના પાંચ બાળકનો સમાવેશ થાય છે.
નિવેદનમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ હુમલામાં અઝહરના એક નજીકના સાથી અને તેની માતા, તેમજ બે અન્ય નજીકના સાથીનો પણ જીવ ગયો હતો. ૧૯૯૯માં આઇસી-૮૧૪ના અપહરણ કરાયેલા મુસાફરોના બદલામાં અઝહરને મુક્ત કર્યા પછી બહાવલપુર જેઇએમનું કેન્દ્ર બન્યું હતું.