ભડકે બળતા PoK ને સ્થિર કરવા પાકિસ્તાન સરકારને નાકે દમ આવ્યો, હવે કાશ્મીરનો રાગ આલાપ્યો…. | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલ

ભડકે બળતા PoK ને સ્થિર કરવા પાકિસ્તાન સરકારને નાકે દમ આવ્યો, હવે કાશ્મીરનો રાગ આલાપ્યો….

ઇસ્લામાબાદ: છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (PoK)માં શાહબાઝ શરીફ સરકાર સામે લોકોનો રોધ ફાટી નીકળ્યો છે, પ્રદેશમાં ભારે વિરોધ પ્રદર્શનો થઇ (Protest in PoK) રહ્યા છે, કેટલીક જગ્યાએ પ્રદર્શનકારીઓ અને સેના વચ્ચે અથડામણ થઇ હતી. બુધવારે સેનાના ગોળીબારમાં 12 પ્રદર્શનકારીઓના મોત થયા હતાં. હાલ પાકિસ્તાનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. પાકિસ્તાની સેના લોકોને શાંત કરવામાં નિષ્ફળ ગઈ છે, એવામાં પાકિસ્તાની સેના જુઠ્ઠાણા ફેલાવી રહી છે.

પાકિસ્તાની સેનાના પ્રવક્તા અહેમદ શરીફ ચૌધરીએ એક નિવેદનમાં કહ્યું, “આપણા કાશ્મીરમાં ભારતના કાશ્મીર કરતા ઘણી સારી સ્થિતિ છે. આપણા કાશ્મીરમાં ભારતના કાશ્મીર કરતા વધારે સાક્ષરતા દર છે. હોસ્પિટલો, રસ્તાઓ અને કોલેજોની સ્થિતિ પણ વધુ સારી છે, અહીં વીજળી પણ સસ્તી છે અને મોંઘવારી ઓછી છે.”

અહેમદ શરીફ ચૌધરીએ પ્રદર્શનકારીઓને ચેતવણી આપતા કહ્યું કે વિરોધ કરવો એ લોકો અધિકાર છે, પરંતુ સરકારને અસ્થિર કરવાની કિંમતે વિરોધ નહીં કરવા દેવામાં આવે.

PoKમાં લોકો વધતી મોંઘવારી અને સેનાના અત્યાચારોનો વિરોધ કરી રહ્યા છે. ચૌધરીએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરતા કહ્યું કે કાશ્મીરમાં રાજકીય વ્યવસ્થા કાર્યરત છે અને જો ટેક્સ વસૂલ કરવામાં નહીં આવે તો સરકાર પગાર કેવી રીતે ચૂકવશે. જો લોકોને કોઈ સમસ્યા હોય, તો સિસ્ટમમાં આવો અને તેની ચર્ચા કરો. જો રોડ રસ્તાઓ બંધ રહેશે તો અહીં કોઈ કામ કરવા કઈ રીતે આવશે?

ચૌધરીએ લોકોને કહ્યું, “જેમણે પાકિસ્તાનનું સ્વપ્ન જોયું હતું તેઓ પણ કાશ્મીર સાથે જોડાયેલા હતાં. સેનામાં ઘણા અધિકારીઓ અને સૈનિકો કાશ્મીરના જ છે. કાશ્મીરનું ભવિષ્ય પાકિસ્તાનનો ભાગ બનીને રહેવામાં જ છે.”

ચૌધરીએ દાવો કર્યો હતો કે લોટ અને વીજળી સસ્તી કરવામાં આવી છે અને ઘણા ફાયદા જનતા સુધી પહોંચી રહ્યા છે.

આ પણ વાંચો…PoKમાં પાકિસ્તાન સરકાર સામે વિરોધ; સેનાના ગોળીબારમાં બેના મોત, 22થી વધુ ઘાયલ

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button