પાકિસ્તાન અને ચીનની વધી રહી છે તાકાત: આ મિસાઇલોનો જવાબ આપવા ભારતે રહેવું પડશે સજ્જ

નવી દિલ્હી: વૈશ્વિક ગતિવિધિઓ અનુસાર દક્ષિણ એશિયાના સૈન્ય સંતુલનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. SIPRI 2025 અને પેન્ટાગોનના અહેવાલો મુજબ, પાકિસ્તાન અને ચીન પોતાની મિસાઇલ ક્ષમતા વધારી રહ્યું છે, તે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય છે. આવો જાણીએ ભારતે ચીન અને પાકિસ્તાનના કયા કયા હથિયારોનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ.
‘સેચ્યુરેશન એટેક’ પર ધ્યાન આપી રહ્યું છે પાકિસ્તાન
મે 2025માં ઑપરેશન સિંદૂર દરમિયાન થયેલા ભારત-પાકિસ્તાન સંઘર્ષમાંથી બોધપાઠ લઈને પાકિસ્તાને ઓગસ્ટ 2025માં ARFC ની સ્થાપના કરી છે. આ ફોર્સ ચીનની PLARFની તર્જ પર બનાવવામાં આવી છે. આ સિવાય હથિયારોની વાત કરીએ તો પાકિસ્તાન પાસે હાલ 170 જેટલા પરમાણુ હથિયારો છે. સરહદ પર ઝડપી અને સચોટ હુમલા કરવા માટે 140 થી 1000 કિમીની રેન્જ ધરાવતી ‘ફતાહ’ સીરિઝની મિસાઇલો તૈયાર કરવામાં આવી છે. પાકિસ્તાન હવે પરંપરાગત (Non-nuclear) મિસાઇલોના ‘સેચ્યુરેશન એટેક’ (એકસાથે અનેક હુમલા) પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જેથી ભારતના ડિફેન્સને ઓવરલોડ કરી શકાય.
ચીન પાસે છે ડિફેન્સ સિસ્ટમને તોડી શકે તેવી મિસાઈલ્સ
ચીનની પીપલ્સ લિબરેશન આર્મી રોકેટ ફોર્સ (PLARF) ટેકનોલોજી અને જથ્થાની દ્રષ્ટિએ ભારત કરતા ઘણી આગળ છે. હથિયારોની વાત કરીએ તો ચીન પાસે 1,250 થી વધુ બેલિસ્ટિક અને ક્રુઝ મિસાઇલો છે. તેના પરમાણુ હથિયારોની સંખ્યા 600 થી વધુ છે, જે 2030 સુધીમાં 1,000 ને વટાવી શકે છે. ચીન પાસે DF-17 જેવી હાયપરસોનિક મિસાઇલો છે, જે અવાજ કરતા 5 ગણી ઝડપે ગતિ કરે છે અને કોઈપણ ડિફેન્સ સિસ્ટમને તોડી શકે છે. તેની DF-41 મિસાઇલ 12,000 કિમી દૂર સુધી હુમલો કરી શકે છે.
ભારતની સુરક્ષા પ્રણાલી પર આવી શકે છે દબાણ
પાકિસ્તાન અને ચીનના સંયુક્ત ખતરા સામે ભારત સંખ્યાત્મક દૃષ્ટિએ સંઘર્ષ કરી રહ્યું છે. ભારત પાસે 180 પરમાણુ હથિયારો અને અગ્નિ-5 (5,000+ કિમી) જેવી શક્તિશાળી મિસાઇલો છે જે સમગ્ર ચીનને આવરી લે છે. બ્રહ્મોસ અને પ્રલય મિસાઇલો ભારતની આક્રમક ક્ષમતામાં વધારો કરે છે. જો પાકિસ્તાન અને ચીન એકસાથે હુમલો કરે, તો ભારતની સુરક્ષા પ્રણાલી (જેમ કે S-400) પર ભારે દબાણ આવી શકે છે. ચીન અને પાકિસ્તાનની જુગલબંધીને રોકવા માટે ભારત તૈયારી કરી રહ્યું છે.
ભારતીય સેનાના વડાએ પણ ભારત માટે સ્વતંત્ર મિસાઇલ ફોર્સ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ભારત અગ્નિ-વેરીઅન્ટ-2 અને હાઈ-ડિફેન્સ મિસાઇલોના પરીક્ષણ પર ધ્યાન આપી રહ્યું છે. S-400 અને ભવિષ્યની S-500 સિસ્ટમ દ્વારા આકાશી સુરક્ષા મજબૂત કરવામાં આવી રહી છે.
આપણ વાંચો: ખાનગી શાળાઓમાં સામાન્ય ઘરના બાળકોના પ્રવેશ માટે રાજ્યોએ કડક નિયમો બનાવવા પડશે: સુપ્રીમ કોર્ટ



