
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આજે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં આતંકવાદીઓએ પર્યટકોને નિશાન બનાવ્યા છે. આતંકવાદીઓએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં અનેક લોકોને ગોળી વાગી છે. આ હુમલા પછી આર્મી દ્વારા તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. પહેલગામની બેસરન ખીણના ઉપરના વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે, જેમાંથી શંકાસ્પદ આતંકવાદીએ પર્યટકના એક જૂથ પર ગોળીબાર કર્યો છે.
હુમલામાં પર્યટકોની સાથે સ્થાનિક લોકો બન્યા શિકાર
સૂત્રોના જણાવ્યાનુસાર અહીંના વિસ્તારમાં ફાયરિંગનો અવાજ સાંભળ્યો હતો, ત્યાર બાદ સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ હુમલામાં ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ હુમલામાં દસથી વધુ પર્યટકને નિશાન બનાવ્યા હોવાનો દાવો કરવામાં આવી છે, જેમાં છ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ હુમલામાં પર્યટકોની સાથે સ્થાનિક લોકોનો પણ સમાવેશ થાય છે.
પહેલી વખત ટૂરિસ્ટ પર કર્યો હુમલો
પહેલગામમાં થયેલા હુમલાની બાબત ચિંતાજનક છે, કારણ કે થોડા સમયમાં અમરનાથની યાત્રા શરુ થશે, જ્યારે અહીં જ બેઝ કેમ્પ હોય છે. હાલમાં ગરમીની મોસમ હોવાથી ટૂરિસ્ટ સિઝનમાં નાપાક હરકતને કારણે ટૂરિઝમ પર અસર પડી શકે છે, તેમાંય આતંકવાદીઓ ક્યારેય ટૂરિસ્ટ પર હુમલો કરતા નથી. જો ટૂરિસ્ટ પર હુમલો કરે તો ટૂરિઝમ અને સ્થાનિક વેપારીઓના કામધંધા પર અસર પડે છે. આમ છતાં પહેલી વખત ટૂરિસ્ટને ટાર્ગેટ કર્યા હોવાથી મુશ્કેલી ઊભી થઈ શકે છે, એમ સ્થાનિકોએ જણાવ્યું હતું.
ટ્રેકિંગ માટે લોકપ્રિય છે પહલગામ
કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકોના એક જૂથને નિશાન બનાવ્યું હતું, જેમાં છ લોકોને ઈજા પહોંચી છે. કાશ્મીરમાં અમુક વિસ્તારોમાં આતંકવાદીઓ જોવા મળતા હોતા નથી, જે પૈકી પહલગામ એક છે. જ્યાં મોટી સંખ્યામાં પર્યટકો જાય છે. માર્ચ મહિનામાં બરફ વરસાદ પછી મોટી સંખ્યામાં લોકો ત્યાં જતા હોય છે. બીજી વાત એ પણ છે કે પહેલગામમાં ટ્રેકિંગ માટે પણ ટૂરિસ્ટ વિશેષ આવે છે.
આપણ વાંચો : કાશ્મીરના રામબનમાં આફતઃ હાઇ-વે પર ફસાયેલા નવદંપતી માટે ભારતીય સેના દેવદૂત બની