
નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર માં પાકિસ્તાનને કડક ભાષામાં સંદેશ આપ્યો છે. ભારતે પાકિસ્તાનને દુષ્ટ દેશ ગણાવ્યો છે જે વૈશ્વિક આતંકવાદને પ્રોત્સાહન આપે છે. તેમજ સંયુક્ત રાષ્ટ્રમાં શાંતિને પણ અસ્થિર બનાવે છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ કાયમી પ્રતિનિધિ રાજદૂત યોજના પટેલે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફની કબૂલાત પર સવાલ ઉઠાવ્યા હતા જેમાં ઇસ્લામાબાદે આતંકવાદીઓને તાલીમ અને ભંડોળ પૂરું પાડવાની વાત કહી હતી. ભારતે કહ્યું કે આ આશ્ચર્યજનક નથી.
ખ્વાજા આસિફના નિવેદન પર સવાલ ઉઠાવ્યા
યોજના પટેલે કહ્યું કે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે એક મુલાકાત દરમિયાન આતંકવાદને ટેકો અને ભંડોળ આપવાની વાત સ્વીકારી છે. તેમણે કહ્યું કે આખી દુનિયાએ જોયું કે આસિફે આતંકવાદી સંગઠનોને ટેકો આપવા તેમને તાલીમ આપવા અને ભંડોળ પૂરું પાડવાની કબૂલાત કરી.
વૈશ્વિક પ્લેટફોર્મનો દુરુપયોગ કરી રહ્યું છે
તેમણે કહ્યું કે ખ્વાજા આસિફની આ કબૂલાતથી ભારત કે દુનિયામાં કોઈને આશ્ચર્ય થયું નથી કારણ કે પાકિસ્તાન એક દુષ્ટ દેશ છે જે વૈશ્વિક આતંકવાદને પ્રોત્સાહન આપે છે. દુનિયા આ મુદ્દે આંખ આડા કાન કરી શકે નહીં.રાજદૂત યોજના પટેલે એવો પણ આરોપ લગાવ્યો કે પાકિસ્તાન ભારત વિરુદ્ધ પાયાવિહોણા આરોપો લગાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર જેવા વૈશ્વિક પ્લેટફોર્મનો દુરુપયોગ કરી રહ્યું છે.