
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત થયા છે. જેની બાદ એનઆઈએ અને સુરક્ષા એજન્સીઓ આ હુમલાની તપાસ તેજ કરી છે. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં હવે આ હુમલા માટે છેલ્લા દોઢ વર્ષથી તૈયારી કરવામાં આવી રહી હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ બે પાકિસ્તાની આતંકવાદી ધુસણખોરી કરી પ્રવેશ્યા હતા. આ બે આતંકવાદી સાંબા-કઠુઆ વિસ્તારમાંથી વાડ કાપીને પ્રવેશ્યા હતા અને ત્યારથી તે અનેક આતંકવાદી હુમલાઓમાં સામેલ છે.
20 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું
અનંતનાગ પોલીસે બે પાકિસ્તાની આતંકવાદીઓની ઓળખ અલી ભાઈ ઉર્ફે તલ્હા અને હાશિમ મુસા ઉર્ફે સુલેમાન તરીકે કરી છે. પોલીસે તેમના સ્કેચ પહેલાથી જ જાહેર કરી દીધા છે. આ ઉપરાંત એક સ્થાનિક જે લશ્કર-એ-તૈયબામાં ભરતી થયેલ તે આદિલ હુસૈન થોકરનો સ્કેચ પણ જાહેર કરવામાં આવ્યો છે. તે પહેલગામનો ત્રીજો હુમલાખોર હોવાનું માનવામાં આવે છે. પોલીસે તેની ધરપકડ માટે માહિતી આપનારને 20 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું છે.
આદિલ હુસૈન વર્ષ 2018 માં સ્ટુડન્ટ વિઝા પર પાકિસ્તાન ગયો હતો
અનંતનાગના બિજબેહરાનો રહેવાસી આદિલ હુસૈન થોકર વર્ષ 2018 માં વાઘા બોર્ડર પાર કર્યા પછી વિદ્યાર્થી વિઝા પર પાકિસ્તાન ગયો હતો પરંતુ પાકિસ્તાનમાં લશ્કર આતંકવાદી તાલીમ શિબિરમાં જોડાયો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે તે દોઢ વર્ષ પહેલા બે પાકિસ્તાની આતંકવાદીઓ સાથે પાછો ફર્યો હતો. પાકિસ્તાન જતા પહેલા થોકર કાશ્મીરની એક ખાનગી શાળામાં ભણાવતો હતો.
સુલેમાન ઝેડ-મોર ટનલ હુમલામાં સામેલ હોવાની આશંકા
અધિકારીઓના જણાવ્યા અનુસાર સેના અને અર્ધલશ્કરી દળોની ટીમો અનંતનાગના ઉપરના વિસ્તારોમાં શોધખોળ કરી રહી છે. અહીં આતંકવાદીઓ છુપાયેલા હોવાની આશંકા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ આદિવાસી સમુદાયો પાસેથી મળેલી માહિતીના આધારે આતંકવાદીઓને શોધી રહ્યા છે. આ દરમિયાન હાશિમ મુસા ઉર્ફે સુલેમાન ગયા વર્ષે 20 ઓક્ટોબરે સોનમર્ગમાં ઝેડ-મોર ટનલ હુમલામાં સામેલ હોવાની આશંકા છે.
આ પણ વાંચો…પહેલગામ હુમલો: આતંકવાદીઓ એન્ક્રિપ્ટેડ એપ વડે તેમના આકાના સંપર્કમાં હતાં