પહલગામ હુમલાખોરોના ખાતમાથી પીડિતોને ન્યાય: અસાવરી જગદાલેએ વ્યક્ત કર્યો હાશકારો

નવી દિલ્હી: લોકસભામાં આજે ગૃહ પ્રધાન અમિત શાહે વિપક્ષના ઓપરેશન સિંદૂર અને પહલગામ હુમલા પરના તીખા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન તેમને 22 એપ્રિલ એટલે કે પહલગામ હુમલાના દિવસથી ચાલતા ઓપરેશન મહાદેવની જાણકારી આપી હતી. ‘ઓપરેશન મહાદેવ’ની શરૂઆત 22 એપ્રિલના રોજ થઈ, જે દિવસે પહલગામમાં આતંકી હુમલો થયો હતો. તે જ રાત્રે ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક યોજાઈ, જે બાદ સુરક્ષા દળોએ આ ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશ હેઠળ હુમલાના ત્રણ આતંકવાદીઓને ઠાર કરી દીધા હોવાની પણ વાત અમિત શાહે કરી હતી.
પહલગામ હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ હુમલામાં પોતાના પિતાને ગુમાવનાર અસાવરી જગદાલેએ ભારત સરકાર અને ભારતીય સેનાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે આ કાર્યવાહીથી પીડિતોના પરિવારોને ન્યાય અને શાંતિ મળશે. આ ઓપરેશન દેશની સુરક્ષા અને નાગરિકોના રક્ષણ માટે મહત્વનું પગલું છે.
ઓપરેશન સિંદૂરની સફળતા
પહલગામ હુમલા બાદ દેશભરમાં આક્રોશ ફેલાયો હતો. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ હેઠળ આતંકવાદિઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. ઓપરેશન સિંદૂર હેઠળ નવ આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા અને ઓપરેશન મહાદેવ હેઠળ હુમલાખોરને ઠાર કરવામાં આવ્યા હતા. મીડિયા સાથે વાતચીત કરતા અસાવરી જગદાલે જેને આ હુમાલમાં પોતાના પિતા ગુમાવ્યા હતા તેણે કહ્યું કે “આજે અમને શાંતિ મળી છે, અને 26 પીડિતોની આત્માને પણ શાંતિ મળી હશે.”
અસાવરી જગદાલેએ ભારત સરકાર અને સેનાને આભાર માનતાં કહ્યું કે આ ઓપરેશનથી પીડિત પરિવારોને ન્યાય મળ્યો છે. તેમણે કહ્યું, “આજે અમે શાંતિથી ઊંઘી શકીશું. હું આશા રાખું છું કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને, અને કોઈએ પોતાના પરિવારજનો ન ગુમાવવા પડે.” તેમણે સરકારને વિનંતી કરી કે સેના હંમેશાં સક્રિય રહે અને આવા ઓપરેશન ચાલુ રાખે, જેથી દેશમાં શાંતિ જળવાઈ રહે. તેમણે કહ્યું, “આ ઓપરેશનથી અમને હિંમત મળી છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ નહીં બને, અને જો બનશે તો પણ સેના તૈયાર હશે.”
ઉલ્લેખનીય છે કે સરકારે પહલગામ હુમલાના ગુનેગારોને ત્રણ મહિનાની અંદર આતંકવાદીઓને ઠાર કરીને સેનાએ આ હુમલાનો બદલો લીધો. અસાવરીએ જણાવ્યું કે આ કાર્યવાહીથી પીડિતોની આત્માને શાંતિ મળી હશે, પરંતુ આતંકવાદનો સંપૂર્ણ ખાતમો થાય ત્યારે જ આવી ઘટનાઓનો અંત આવશે. આ ઓપરેશનની સફળતાએ દેશની સુરક્ષા વ્યવસ્થા પર લોકોનો ભરોસો વધાર્યો છે, અને પીડિતોના પરિવારોને ન્યાયની આશા આપી છે.