નેશનલ

પહેલગામ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી, મહિલાના નિવેદન બાદ ખચ્ચર માલિકની ધરપકડ…

નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. આ દરમિયાન એક ખચ્ચરના માલિકનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. આ ફોટા સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે આ ખચ્ચર ચાલકે પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યું હતું. આ કેસમાં કાર્યવાહી કરતા ગાંદરબલ પોલીસે શુક્રવારે શંકાસ્પદ ખચ્ચર ચાલક અયાઝ અહમદ જંગલની અટકાયત કરી છે.

પોલીસ શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ શરૂ કરી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક મહિલા પ્રવાસીએ એક પુરુષનો ફોટો બતાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે તે પુરુષે તેને ધર્મ અને અન્ય બાબતો વિશે પ્રશ્નો પૂછ્યા હતા. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ ગોહીપોરા રાયજાન ગાંદરબલના રહેવાસી નબી જંગલના પુત્ર અયાઝ અહમદ જંગલ તરીકે થઈ છે અને તે સોનમર્ગ ખાતે ખચ્ચર સેવાઓ પૂરી પાડતો હતો. પોલીસ શંકાસ્પદ વ્યક્તિની સતત પૂછપરછ કરી રહી છે.

પ્રવાસીનો ખચ્ચર માલિક સાથે ઝઘડો થયો હતો
મહિલા પ્રવાસીએ દાવો કર્યો હતો કે તે આતંકવાદી હુમલા પહેલા 20 એપ્રિલે બૈસરન ખીણની મુલાકાત લેવા ગઈ હતી. તેમણે કહ્યું કે સુરક્ષા દળો દ્વારા જે શંકાસ્પદ વ્યક્તિનું સ્કેચ બહાર પાડવામાં આવ્યું છે. તેણે તેને ખચ્ચર સવારી કરાવી હતી. મહિલાના જણાવ્યા મુજબ તેનો ખચ્ચરના માલિક સાથે ઝઘડો થયો હતો. જેનો તેના જૂથે એક વીડિયો પણ બનાવ્યો હતો.

મહિલા પ્રવાસી ઉત્તર પ્રદેશના જૌનપુરની રહેવાસી
મહિલા પ્રવાસી ઉત્તર પ્રદેશના જૌનપુરની રહેવાસી છે. 13 એપ્રિલના રોજ તે તેના જૂથ સાથે જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે ગઈ હતી. તેના ગ્રુપમાં 20 લોકો હતા. સૌ પ્રથમ તેઓ વૈષ્ણોદેવી ગયા. ત્યારબાદ સોનમર્ગ અને શ્રીનગર ગયા. તેમનું જૂથ 20 એપ્રિલના રોજ પહેલગામ પહોંચ્યું. મહિલા પ્રવાસીના જણાવ્યા મુજબ ખચ્ચર ચાલકને એક ફોન પણ આવ્યો જેમાં તે વારંવાર બંદૂકો અને હિન્દુ ધર્મનો ઉલ્લેખ કરી રહ્યો હતો.

આપણ વાંચો : કંઈક મોટું થવાના એંધાણ ! રાજસ્થાનના જયપુરમાં ઉતર્યું USA એરફોર્સનું વિમાન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button