
જમ્મુ અને કાશ્મીર: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. તેમાં કુપવાડા જિલ્લામાં સેના દ્વારા શનિવારે આતંકવાદી ઠેકાણાને તોડી પાડ્યાં હતા. આ દરમિયાન ભારતીય સેનાએ મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળાનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે વિગતો આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ગૃપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળાનો જથ્થો મળી આવ્યો
નોંધનીય છે કે, ભારતીય સેના દ્વારા ઉત્તર કાશ્મીરના મુસ્તફાબાદ માછીલના સેદોરીના જંગલી વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન આતંકવાદીઓના ઠેકાણા શોધી કાઢવામાં આવ્યા હતા અને તેનો નાશ કરવામાં આવ્યો હતો. અહીંથી મળી આવેલા હથિયારોમાં 5 AK-47 રાઈફલ, 8 AK-47 મેગેઝિન, એક પિસ્તોલ, એક પિસ્તોલ મેગેઝિન, 660 રાઉન્ડ AK-47 દારૂગોળો, એક પિસ્તોલ રાઉન્ડ અને 50 રાઉન્ડ M4 દારૂગોળો શામેલ છે. સ્વાભાવિક છે કે, ભારતીય સેનાને આ મોટી સફળતા મળી છે.
સેનાએ આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવી દીધી
મહત્વની વાત એ છે કે, આતંકવાદીઓએ કોઈ બીજા હુમલાની તૈયારી કરી રહ્યાં હતા. જો કે, સેનાએ તે યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે. જો કે, પહેલગામમાં થયેલા હુમલામાં 28 નિર્દોષ લોકોના મોત થયા હતાં. પહેલગામ કાશ્મીરનું ખૂબ સુંદર અને લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. અહીં થયેલા હુમલાના કારણે અત્યારે આખા દેશમાં લોકો રોષે ભરાયેલા છે. એટલું જ નહીં પરંતુ ભારત આ હુમલાનો બદલો લે તેવું પણ ઈચ્છી રહ્યાં છે.
ત્રણેય આતંકવાદીઓને લશ્કર-એ-તૈયબાના આતંકી હતાં
પહેલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર ત્રણ આતંકવાદીઓને લશ્કર-એ-તૈયબાના આતંકી હતાં. આ આતંકવાદીઓના સ્કેચ અને નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. આ દરેક આતંકવાદી માટે 20 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. હુમલા બાદ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. સુરક્ષા દળોએ ગુનેગારોને પકડવા માટે મોટા પાયે શોધખોળ અભિયાન શરૂ કર્યું છે. ભારતીય આર્મી અત્યારે આખા જમ્મુ અને કાશ્મીરમાં સર્ચ ઓપરેશન કરી રહી છે.
આપણ વાંચો : પહેલગામ આતંકી હુમલાનો નવો વિડીયો પ્રકાશમાં આવ્યો, પ્રવાસીઓને ગોળી મારતો દેખાયો આતંકી